ઝઘડીયા તાલુકામાં દિપડાના આંટાફેરાને લઇને સ્થાનિકોમાં ડરનો માહોલ હતો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરી હતી, ત્યારે જંગલખાતા દ્વારા મુકાયેલા પાંજરામાં કદાવર દીપડો પાંજરે પુરાયો જેને લઈને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
છેલ્લા પાંચ દિવસથી ભરૂચના અંતરિયાળ ગામોમાં દીપડાઓ ફરતા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હતા અને ગતરોજ વાલિયા તાલુકાના વાંદરવેલી ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો.
દીપડાની જાણ ગ્રામજનો દ્વારા વનવિભાગમાં કરાઈ હતી જે બાદ ઝઘડીયા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જે પાંજરામાં કદાવર દીપડો પુરાયો હતો. જાણવા મળેલ કે રતનપોર ભીલવાડા ગામેથી રોજબરોજ પશુઓને શિકાર કરતો હતો. વહેલી સવારે પાંજરે પુરાયેલા દીપડાને જોવા અને સેલ્ફીઓ લેવા આજુબાજુના ગ્રામજનો ઉમટી પડયા હતા. આખરે કદાવર દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો, વનવિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે વન્ય વિસ્તારમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઇ છે.
રિધ્ધી પંચાલ, ભરુચ