પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મહત્વનું યોગદાન હોય છે. આજે આપણે જોઇએ છીએ કે દરરોજ ખુબ મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે. વનવિભાગ દ્વારા વારંવાર વન મહોત્સવો યોજાતા હોય છે. આવા કાર્યક્રમોમાં સંખ્યાબંધ વૃક્ષો રોપાતા હોય છે. ઝઘડીયા તાલુકામાં પણ આગામી ૩૦ મી તારીખના રોજ ઝઘડીયાની એક કંપનીમાં ૭૨ મો વન મહોત્સવ ઉજવવામાં આવશે એવુ જાણવામાં આવ્યુ છે. આ મહોત્સવનો ક્રમાંક ૭૨ મો છે, ત્યારે આની પહેલા ૭૧ મો વન મહોત્સવ યોજાઇ ગયો એ વાત તો નક્કી જ ગણાય ! આ બધા વન મહોત્સવોમાં સંખ્યાબંધ વૃક્ષો રોપાયા હશે એ વાત પ્રસંશનીય ગણાય પરંતુ એ રોપેલા વૃક્ષો પૈકી કેટલા વૃક્ષો ઉછર્યા? તે બાબતે પણ વિચાર વિમર્શ જરૂરી ગણાય.
વન વિભાગ પાસે અત્યાર સુધીમાં આવા કાર્યક્રમોની પુરી આંકડાકીય વિગત તો હશે જ, અને કયા સ્થળે અને કેટલી સંખ્યામાં વૃક્ષો રોપાયા હતા તેમજ તેમાંથી કેટલા છોડની કાળજી લેવાઇને છોડ પરિપક્વ થયા ? આવા પ્રશ્નો જનતામાં ચર્ચાઇ રહ્યા હોવાની વાતો જાણવા મળી છે કે પછી વન મહોત્સવોમાં વૃક્ષારોપણ ફક્ત ફોટા પડાવવા જ કરવામાં આવે છે ? આ બાબતે પણ જનતામાં સવાલો ઉઠવા પામ્યા છે. અત્યારસુધીના આવા કાર્યક્રમોમાં રોપાયેલા વૃક્ષો પૈકી કેટલા માવજત પામીને પરિપક્વ થયા એ બાબતે આર.ટી.આઇ માંગવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે !
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ