કેવડીયા ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની બેઠકમાં ભાગ લેવા આવેલા ભારત સરકારનાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનયકુમાર સકસેનાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ પ્રતીમાના ૪૫ મા માળે આવેલ દ્રશ્ય દિર્ઘામાંથી નર્મદા ડેમ અને વિંધ્યાચલ અને સાતપૂડા પર્વતમાળાની પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ભાવવિભોર થયા હતા.
ત્યારબાદ સકસેનાએ કેકટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, જંગલ સફારી અને એકતા મોલની મુલાકાત લીધી હતી, એકતા મોલમાં તેઓએ ખાદી ઇન્ડીયા તેમજ ગરવી ગુર્જરી સહીતના શો રૂમની મુલાકાત લઇને તેઓએ તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.
સકસેનાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, ખુબ જ ઓછા સમયમા માનનીય પ્રધાનમંત્રીની પરીકલ્પના પ્રમાણે ગુજરાત સરકારે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બનાવ્યુ છે, કેવડીયાનું મહત્વ જાણવા માટે મુલાકાત લેવી અનિવાર્ય છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનાં અન્ય સ્મારકોથી સહેજ પણ ઓછુ નથી. આધુનિક કેવડિયાની પરીકલ્પના બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીને હું નમન કરુ છુ. જે અમારી જિંદગીનો ખાસ દિવસ છે, જે ક્યારેય પણ ભુલાય એમ નથી. પ્રતિમા સ્થળે અમે જે જોયુ છે અને અનુભવ કર્યો છે એને વર્લ્ડ ક્લાસ કહી શકાય તેવુ છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે
જ્યોતિ જગતાપ, રાજપીપલા