ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં વડોદરાથી સુરત તરફના નેશનલ હાઇવે નં 48 પર છેલ્લા 3 થી 4 દિવસથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે જેને કારણે વાહનચાલકોને ક્લાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ કરવા છતાં ટ્રાફિકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ જવા પામી છે પરંતુ બિસ્માર રસ્તાઓને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. ભરૂચના ઝાડેશ્વર ચોકડી પર બ્રિજ હોવા છતાં પણ વધુ પડતાં વાહનો બ્રિજ નીચેથી પસાર થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે જેનાથી ભરૂચ અને અંકલેશ્વરની જનતાને વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.
નિરાકરણના ભાગરૂપે ભરૂ જીલ્લામાં હળવા વાહનોનું અષાઢી બીજના દિવસે લોકાર્પણ કરવામાં આવેલ નર્મદામૈયા બ્રિજ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેથી સરદાર બ્રિજ અને કેબલ બ્રિજ પરથી વાહનોનું ભારણ અને ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે પરંતુ નર્મદા મૈયા બ્રિજ ખુલ્લો મૂક્યા બાદ પણ ટ્રાફિકજામની સમસ્યા યથાવત છે.
તેનું મુખ્ય કારણ છે હાઇવે પરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ તંત્રની કામગીરી સામે આવી રહી છે. ભરૂચથી નબીપુર તરફના બ્રિજો સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી રહ્યા છે જેને લઈને ગાડીઓની ગતિ ધીમી થઈ રહી છે અને હાઇવે પર એક બાદ એક ગાડીઓની લાઈનો થઈ રહી જોવા મળી હતી. જેમ જેમ વરસાદ વધી રહયો છે તેમ તેમ ખાડા મોટા થતાં જઇ રહ્યા છે જેને પગલે વાહનોને નુકશાન થવાની સંભાવનાઓ વધી રહી છે. તંત્રને જાણ છે તે છતાં શા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી..? જો રસ્તાઓનું સમારકામ થઈ રહ્યું નથી તો શા કારણે ટોલ ટેક્સ ઉઘરાવમાં આવી રહ્યા છે..? તેવા પ્રશ્નો વાહનચાલકોને થઈ રહ્યા છે.
વાહન ચાલકો પોતાની સુજબૂજ વાપરીને બ્રિજ નીચેથી પસાર થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે જેનાથી ભરૂચ અને અંકલેશ્વરની જનતાને વધુ હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા લોકમાંગ ઉઠી છે .
રિધ્ધી પંચાલ, ભરુચ