નર્મદા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખે એક મેસેજ દ્વારા જણાવ્યુ હતું કે ચોમાસું ચાલી રહ્યું છે છતાં વરસાદ કઇ ખાસ વર્ષી રહ્યો નથી. તેવા સંજોગોમાં ખેડૂતો દ્વારા બોર-મોટર દ્વારા પાણી આપીને ડાંગર રોપણ જેવા ખેતીના કામો કરવાની જરૂરત ઉભી થઇ છે. ત્યારે ખેડૂતો દ્વારા રોજે રોજ રોપણ કરવા મજૂરોને બોલાવવામાં તો આવે છે પણ વિદ્યુત બોર્ડ દ્વારા વીજપુરવઠો સમયસર નહીં આપતા ખેડૂતોએ કોઈ પણ કામ કર્યા વગર જ મજૂરોને તેમની મજૂરી આપવી પડી રહી છે. જેથી ખેડૂતોને દાઝતા ઉપર ડામ જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.
જ્યારે કોઈ ખેડૂત દ્વારા ફરિયાદ નંબર ઉપર કોલ કરવામાં આવે છે તો જણાવવામાં આવે છે કે ” તાર ફોલ્ડ” છે અથવા તો પૂરતો સ્ટાફ નથી જેવા ઉચ્ચક જવાબો આપવામાં આવે છે. રોજે રોજ તાર ફોલ્ડના બહાના બતાવવામાં આવે છે. વિદ્યુત બોર્ડ કચેરી સાગબારા દ્વારા સમયસર મોન્સૂન કાર્યવાહી પણ કરવામાં નથી આવતી. વીજના થાંભલા પણ ઘણી જગ્યાએ નમી પડેલા જોવા મળે છે. આ બધું કાર્ય ઉનાળામાં કરવાનું હોય છે પણ વિદ્યુત બોર્ડ કચેરી તો એ સમયે ઘોર નિંદ્રામાં રહે છે. તો પછી સર્વિસ ચાર્જ જે ખેડૂતો ઉપર લાદવામાં આવે છે તે શાનો ચાર્જ લે છે. મોન્સૂન સત્ર પહેલા મેન્ટેનન્સ ખર્ચનું કચેરીઓ શુ કરે છે જેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ઘણા વર્ષોથી સ્ટાફ ઓછો છે ના રોદડા રોતા અધિકારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા માટે શું કાર્યવાહી કરી છે ?? સાથે ઘર વપરાશ નોવીજપુરવઠો પણ કાયમ જ ઠપ થઈ જાય છે.
આ તમામ પ્રશ્નોનો કોઈ નિરાકરણ આવી નથી રહ્યું માટે ખેડૂતોના વહારે આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતરવાની જરૂર પડી છે. અને તારીખ 28/07/2021 ના રોજ સાગબારા તાલુકાની વિદ્યુત બોર્ડની કચેરીને તાળાબંધી કરવાનું આયોજન આમ આદમી પાર્ટીએ કરેલ છે તેવું આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના સંસ્થાપક સદસ્ય અને જિલ્લા પૂર્વ પ્રમુખ ડૉ. કિરણ વસાવાએ જણાવ્યું છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ ઘર વપરરાશ માટે તેમજ ખેતીવાડીની વીજળી મફત આપવાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવનાર છે એમ પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
તાહિર મેમણ – ડેડીયાપાડા