ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સર્વત્ર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટમાં રાહત અનુભવાઇ છે. રવિવારે વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસેલા વરસાદે અમી છાંટણા કરતા જનતાએ ઉકળાટથી રાહત મળતા હળવાશ અનુભવી હતી. ઝઘડીયા તાલુકામાં રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સાર્વત્રિક થયેલા વરસાદથી ખેડૂતો સહિત જનતામાં ઉમંગનો માહોલ છવાયો છે. રવિવારે આખા દિવસ દરમિયાન વરસાદ વરસતો રહ્યો હતો. આજે સોમવારના દિવસે પણ તાલુકામાં મોટાભાગે સર્વત્ર ભારે વરસાદ નોંધાયો હતો. તાલુકામાં આવેલ રેલવે લાઇન પરના ગરનાળાઓમાં પાણી ભરાતા નાનામોટા વાહન ચાલકો તકલીફમાં મુકાયા હતા. ગરનાળાઓમાં ભરાયેલા પાણીને લઇને જનતા પણ મુશ્કેલી અનુભવતી હોવાની ચર્ચાઓ જાણવા મળી છે.
ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપિપલા વચ્ચેની રેલવે લાઇન પરની રેલવે ફાટકો પર ગરનાળાઓ બનાવાયા છે. અંકલેશ્વર રાજપિપલા વચ્ચેના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય રસ્તાઓ પર ખરચી, બોરિદ્રા, કપલસાડી ફાટક, ઉંચેડિયા, રાણીપુરા, ઝઘડીયા, કરાર, અવિધા, ખડોલી, રાજપારડી, સારસા, અછાલિયા તેમજ ઉમલ્લા નજીક રેલવે લાઇન પર બનાવેલા ગરનાળાઓ પૈકી કેટલાક ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાતુ હોવાની વાતો સામે આવી છે. આને લઇને વાહન ચાલકો અને જનતાને હાલાકિ ભોગવવી પડતી હોવાની વાતો પણ જાણવા મળી છે.આજે સોમવારના રોજ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે તાલુકામાં સારો વરસાદ નોંધાતા તેનાથી ચોમાસુ ખેતીને સારો ફાયદો થશે એવી લાગણી ખેડૂત આલમમાં જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ