સુરત સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંકે પણ રહી ચૂકી છે. છતાં વાસ્તવિકતા એ છે કે, સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીમાં આજે પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં ગાયત્રી નગર, ગાંધીનગર પ્રિયંકા નગરમાં 20 વર્ષ બાદ પાણીની લાઈન તો આવી છે. પરંતુ આજે પણ લોકો અન્ય પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.
વિસ્તારમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી અને શિવાજી નગરમાં લોકો ટેન્કરના પાણી પીવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં રોડ રસ્તા ન હોવાના કારણે પાણીનો સંગ્રહ થતા મચ્છરોનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ નથી. રાત્રી દરમિયાન નાના બાળકો કે, મહિલાઓ ઘરની બહાર નીકળી શકતા નથી. ચોરીની ઘટનાઓ પણ બનતી હોય છે. ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બાળકો અને વૃદ્ધો બીમાર પડે છે.
પરંતુ સ્માર્ટ સિટીના બણગા ફૂંકનાર ભાજપના કોર્પોરેટરો અને અધિકારીઓ કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ પૂરવાર થઇ રહ્યા હોવાનું સામે આવતું હોવાનું સ્થાનિક ગોપીનાથે જણાવ્યું હતું. શિવાજી નગરમાં વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે.રસ્તા નથી અને પાણીની લાઇન પણ નથી, મહાનગરપાલિકા દ્વારા 6 મહિના પહેલા શૌચાલય બનાવી દેવામાં આવ્યા પણ આજદિન સુધી ડ્રેનેજ લાઇન આપવામાં આવી નથી.
ડ્રેનેજ લાઇન ન હોવાના કારણે શૌચાલય બંધ કરીને મૂક્યા છે. પાણીની સમસ્યાને લઇને સ્થાનિક નગરસેવકને રજૂઆત કરવા ગયાં હતાં. પરંતુ આજદિન સુધી અમારી ફરિયાદનો કોઈ નિવારણ આવ્યું નથી. અમારામાં વિસ્તારમાં પાણીની લાઇન ન હોવાના કારણે અન્ય વિસ્તારમાં જઇને પાણી ભરવા જતા હોય છે. ટેન્કરનું કોઈ નક્કી હોતું નથી. ક્યારેક આવે ક્યારેક નહીં આવે, કોઈક વાર પૈસાથી પાણીની ખરીદી કરતા હોઈએ છીએ.