કોરોના કાળની બીજી લહેર ભરૂચ જિલ્લામાં જેટલી ઘાતક હતી તેટલી જ પ્રેમ, આડા સંબંધો, વહેમ, રૂપિયાની લેતી દેતીને લઈ લોહિયાળ પણ સાબિત થઈ હતી. જિલ્લામાં આપઘાત, હત્યા, લૂંટની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી હતી. અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામ ખાતે રહેતા સતીશ વસાવા અને રાકેશ વસાવા વચ્ચે એક વર્ષ પહેલા મિત્રતા કેળવાઈ હતી. પરંતુ આ બંને મિત્રોની વચ્ચે એક યુવતી આવી ગઈ હતી. નર્સિંગનું કામ કરતી દિવ્યા નામની યુવતી બંને મિત્રોને ગમવા લાગી હતી.
ગત તારીખ 17 મી જુલાઇના રોજ અંકલેશ્વરના તરીયા બસ સ્ટેન્ડ પાસે એક નર્સના પહેલા પ્રેમીનો બીજા પ્રેમીએ 6 સાથીદારોની મદદથી હત્યા કરી કાંટો કાઢ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે દુશ્મનીનું કારણ બની છે. તરિયા ગામના પાટિયા પાસે પૂર્વ પ્રેમીને અન્ય પ્રેમી અને તેના 6 સાથીદારોએ માથા, હાથ, પગ અને મોઢા ઉપર ધારિયાના ઉપરાચાપરી ઘા ઝીંકી દીધા હતા. જેમાં ગંભીર ઈજા પામેલા પ્રેમીને અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા તેનું મોત નિપજ્યું હતું. માર મારનાર ઇસમો ફરાર થઈ ગયા હતા.
પોલીસ પ્રાથમિક ફરિયાદ આધારે પ્રેમિકાનું પણ નિવેદન લેવાની તજવીજ સાથે હત્યાનું સાચું કારણ શોધવા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા જેમાં ગણતરીના દિવસોમાં માર મારનારા ઇસમો પૈકી ત્રણ જેટલા ઈસમોની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી પૂછપરછની તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :-
1. હિતેશ હસમુખ વસાવા, રહે નવહરીપૂરા અંકલેશ્વર જેને નાગલ હરીપુરા રોડ પરથી અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડ્યો,
2. રાકેશ ઉર્ફ રાકો ઉર્ફ રાઈશ જેસંગ વસાવા, રહે તરીયા ગામ, અંકલેશ્વર
3. અજય ઉર્ફ અઝઝૂ હસમુખ માછી પટેલ, રહે તરીયા ગામ, અંકલેશ્વર બંનેને પારડી ઈદીસ ભાથીજી મંદિર પાસેથી અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડયા હતા અને આગળની તજવીજ હાથ ધરી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ.