કોરોના મહામારી અંગે અમેરિકાની બે સંસ્થાઓએ ચોંકાવનારા સર્વે જાહેર કર્યા છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓન ડ્રગ એબ્યુઝ અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ (એનઆઈએચ) ના સંયુક્ત અભ્યાસ પ્રમાણે, કોરોના મહામારીની શરૂઆતના 14 મહિનામાં ભારતના 1.19 લાખ બાળક સહિત 21 દેશમાં 15 લાખથી વધુ બાળકોએ પોતાના માતા-પિતા કે વાલીઓ ગુમાવી દીધા છે, જે તેમનો ઉછેર કરતા હતા.
ભારતમાં પ્રતિ એક હજાર બાળકે માતા-પિતા કે વાલી ખોઈ નાંખવાનો દર 0.5% છે. માતા-પિતામાંથી એક કે બંને ગુમાવી દેનારા સૌથી વધુ બાળકો અમેરિકા, બ્રાઝિલ, દ. આફ્રિકા, પેરુ અને મેક્સિકોમાં છે. આ અભ્યાસ જાણીતી હેલ્થ જર્નલ ‘ધ લેસેન્ટ’ માં પ્રકાશિત થયો છે. આ ઉપરાંત અમેરિકાના સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરે એક અભ્યાસ કરીને દાવો કર્યો છે કે, ભારતમાં જૂન 2021 થી કોરોના વાઈરસના મોતનો સત્તાવાર આંકડો ચાર લાખ સુધી પહોંચી ગયો છે, પરંતુ આ આંકડા સાચી તસવીર રજૂ નથી કરતા.
ભારતમાં કોરોનાના કારણે 49 લાખના મોત થયા હોવાનું અનુમાન છે. એનઆઈડીએ અને એનઆઈએચના સંયુક્ત અભ્યાસમાં દાવો કરાયો છે કે, કોરોનાના કારણે ભારતમાં 25,500 બાળકોએ માતા અને 90,751 બાળકોએ પિતા ગુમાવી દીધા છે. તેમાં 12 બાળક એવા છે, જેમણે માતા-પિતા બંને ગુમાવી દીધા છે. ભારતમાં 2,898 બાળકો પરથી દાદા-દાદી કે નાના-નાની જેવા વાલીઓનો આશરો પણ છીનવાઈ ગયો છે, જ્યારે નવ બાળકોએ બંનેને ગુમાવી દીધા છે. દુનિયામાં આવા બાળકોની સંખ્યા 11.34 લાખ છે, જે માતા-પિતા કે દાદા-દાદી, નાના-નાની જેવા વાલીઓ ખોઈ ચૂક્યા છે.
તેમાં 10.42 લાખ બાળકોએ માતા, પિતા કે બંનેને ગુમાવી દીધા છે. આ ઉપરાંત 15.62 લાખ બાળકો પરથી માતા-પિતામાંથી એક, દેખભાળ કરનારામાંથી એક અથવા સાથે રહેતા દાદા-દાદી, નાના-નાનીનો આશરો ગુમાવી દીધો છે. અમેરિકાના સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરના અભ્યાસ પ્રમાણે, ભારતમાં કોરોનાની બીજી લહેર દેશના ભાગલા પછીની સૌથી મોટી આપત્તિ છે. અમારા ડેટા સીરોસરવે, હાઉસહોલ્ડ ડેટા અને સત્તાવાર આંકડા પર આધારિત છે, જેમાં ભારતમાં 49 લાખ લોકોના મોત થયાનું અનુમાન છે.
ભારતમાં પહેલી લહેર ઓછી ઘાતક હતી, પરંતુ છતાં તેમાં 20 લાખના મોત થયાની આશંકા છે.કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કામ કરતા રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગે 7 જૂન 2021માં સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, 1 એપ્રિલ 2020થી 5 જૂન 2021 વચ્ચે 15 મહિનામાં કોરોનાથી દેશમાં 3,621 બાળકે માતા-પિતા બંને ખોઈને અનાથ થયા છે.
જ્યારે 26,176 બાળકોએ માતા-પિતામાંથી એક અને 274 બાળકને તેમના વાલીઓએ છોડી દીધા છે. મહામારીના કારણે સંકટમાં હોય એવા 30,071 બાળકની નોંધણી કરાઈ છે, જેમાં 15,620 છોકરા અને 14,447 છોકરી છે. તેમાં 39% ની ઉંમર 8 થી 13 વર્ષ છે.