સરકારી હોસ્પિટલોની અવદશાનો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એક વૃદ્ધના મૃતદેહને ઉંદરે કોતરી ખાતાં પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો. મોટા અને જાડા ઉંદરો સાથે માખીઓના ત્રાસ વચ્ચે પોસ્ટમોર્ટમ કરવા ડોક્ટરો મજબૂર હોવાનું કહી રહ્યા છે.
ઉંદરની આ સમસ્યા લાંબા સમયથી ઘર કરી ગઈ છે છતાં કોઈ નિકાલ નહિ કરાતો હોવાનું પોસ્ટમોર્ટમ રૂમના કર્મચારીઓ કહી રહ્યા છે. અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં રહેતા અને મજૂરીકામ કરી પેટિયું રળી ખાતાં 60 વર્ષનાં લક્ષ્મીબેનના મૃતદેહનો પગ રાત્રિ દરમિયાન ઉંદરે કોતરી ખાતાં કર્મચારીઓ જ નહીં પણ પોસ્ટમોર્ટમ કરનાર તબીબ પણ ચોંકી ગયા હતા. લક્ષ્મીબેન ઘરમાં પડી ગયાં હતાં.
બાદમાં તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયાં હતાં, જેમનું મંગળવારની રાત્રે મોત થયા બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં મુકાયો હતો. મૃતક લક્ષ્મીબેનના જમાઈ ભરત વસાવાએ જણાવ્યું હતું કે તેમને આ બાબતે કશું પણ કહેવામાં આવ્યું નથી, પરંતુ જો આવું થયું છે તો એ ગંભીર બાબત છે.
મૃતદેહનો મલાજો પણ જળવાયો નથી. લક્ષ્મીબેન મારી માતા સમાન છે. સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહ પણ સુરક્ષિત ન હોય તો એ માટે સરકારે ચોક્કસ વિચારવું જોઈએ.