ભરૂચ જિલ્લા સમાહર્તા તેમજ વહીવટી તંત્રના સફળ પ્રયાસોના ફળસ્વરૂપે ઔદ્યોગિક નગરી દહેજ સ્થિત બહુરાષ્ટ્રીય કંપની BASF એ ભરૂચની ધર્માદા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોવર્ધન રુગણાલયને ઓક્સિજન જનરેટર પ્લાન્ટ અર્પણ કરાયો. આ ઓક્સિજન પ્લાન્ટ થકી ઘણા ફાયદા થશે. તાજેતરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતના પગલે ખૂબ સહન કરવું પડ્યું છે. ત્યારે હવે આવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ આવતા મેડિકલ ઓક્સિજનની અછત નહીં સર્જાય.
ભરૂચ તેમજ નજીકનાં ગામોના રહીશોને મેડિકલ ઓક્સિજન મળતા આરોગ્યલક્ષી સેવા પ્રદાન થઈ શકશે જે ખૂબ આવકારદાયક બાબત છે. ગોવર્ધન પ્રભુની કૃપાથી વર્ષ 1988 માં ગોવર્ધન રૂગ્ણાલય સ્થાપવા અંગેની પ્રેરણા સ્વપ્નદ્રષ્ટા ગૌ. વા. ચદુલાલ નાનાલાલને મળી હતી. જેથી તેમણે ધન, સંપત્તી, સમૃદ્ધિને સદમાર્ગે વાળવાનો નિર્ધાર કર્યોં. જેથી જરૂરિયાતમદ જનસમુદાયને તેનો લાભ મળી શકે. વર્ષ 1992 મા ગોવર્ધન રૂગ્ણાલય સાકાર થયું. જોકે, શરૂઆત ઓ.પી.ડી.થી કરવામાં આવી હતી.
ત્યારબાદ ઓપરેશન થીએટરની સુવિધા, એક્સ-રે, લેબોરેટરી, ફિઝિઓથેરેપી, ડેન્ટલ કેર જેવા વિભાગોની સુવિધા ઉભી કરવામાં આવી. તેમજ આ વર્ષે અદ્યતન આઈ.સી.યુ.ની પણ સુવિધા કરવામાં આવી છે. સરકાર તરફથી કોવિડ -19 ની સારવાર અંગે પણ માન્યતા આપવામાં આવી. ગોવર્ધન રૂગ્ણાલય ખાતે આર્થિક રીતે ગરીબ દર્દીઓને અદ્યતન સારવાર સુવિધા સાવ નજીવા દરે પ્રાપ્ત થાય તેનું સતત ધ્યાન રૂગ્ણાલયના ટ્રસ્ટીગણ રાખે છે. આજરોજ ઓક્સિજન જનરેટર પ્લાન્ટના ઉદ્ઘાટન અવસરે ભરૂચના પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, BASF કંપનીના અધિકારીઓ, ગોવર્ધન હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા તબીબો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.