ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ અષાઢી માહોલ જામતા રવિવારે સવારથી જ ઘનઘોર વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમીથી ત્રાસી ગયેલા લોકોએ વરસાદના પગલે રાહત અનુભવી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા.
જોકે, પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે લોકોએ ગરમીથી રાહત થઇ હતી. ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ મન મૂકીને પધામણ કરતા પ્રજાને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોના પાકને જીવતદાન મળતા હરખની હેલી જોવા મળી રહી છે.
જીલ્લામાં છેલ્લા 24 કલાક સુધીના આંકડા જોતાં ભરૂચ જિલ્લામાં 10 મી.મી વરસાદ નોંધાયો હતો, અંકલેશ્વરમા 69 મી.મી આકાશી જળ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો, રાહદારીઓ અને વાહનચાલકો મુસીબતમાં મુકાઈ ગયા હતા.
છેલ્લા 24 કલાકમાં નેત્રંગ તાલુકામાં 57 મિમી એટલે કે 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નવા નીરની આવક સાથે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના અન્ય તાલુકાઓમાં આમોદમાં 05 મીમી, વાલીયામાં 41 મિમી, ઝઘડિયામાં 11 મિમી, હાંસોટમાં 22 મીમી અને જંબુસરમાં 09 મીમી વરસાદ નોંધાયો હતો. વાગરા તાલુકામાં વરસાદે હાજરી નહીં નોંધાવતા કોરા ધાકોર રહ્યાં છે.