રાજ્ય સરકારે ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ હવે ધોરણ 9 થી 11 ની શાળાઓ શરૂ થાય તે માટે ભરૂચ જીલ્લાનાં શાળા સંચાલક દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કરાઈ રજુઆત.
રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજોમાં જ શૈક્ષણિક કાર્ય આપવાનું 15 જુલાઈથી હાથ ધરાયું છે. આ સાથે ઓનલાઇન શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન મોડ પણ ચાલુ છે ત્યારે રાજ્ય સરકાર ધો.9 થી 11 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવાની ગતિવિધિ હાથ ધરે તેવું ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળો ઈચ્છી રહ્યા છે.
કોરોનાનું સંક્રમણ હવે ઘણું ઘટી રહ્યું છે જેની સામે શાળાઓ શરૂ થવી એ હિતાવહ છે જેથી જિલ્લા શિક્ષણ અધિકારીને આજરોજ રજૂઆત કરવામાં આવી હતી. સરકારે જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર સહિત કોવિડની એસઓપીના પાલન સાથે ચાલુ કરવાની મંજૂરી આપી છે.
આથી હવે ધો.9 થી 11 ની શાળા ચાલુ કરવા માટે ચાલુ સપ્તાહે નિર્ણય કરાય તેવી શાળા સંચાલક મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે. સરકાર જો ટ્યૂશન ક્લાસીસમાં ધો. 9 થી 12 માટે મંજૂરી આપી શકે છે તો સ્કૂલોને પણ આપવી જોઈએ.
દરેક જિલ્લા સંઘ પોતાના જિલ્લાના કલેક્ટરને ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ કરવા માટેની રજૂઆત કરશે. આ પહેલાં સંચાલકોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી.