સરકારથી લઇને હેલ્થવર્કર્સ સુધી દરેક વેક્સિનેશનને જ કોરોના સંક્રમણની સામે સૌથી મોટું હથિયાર માને છે. કેટલાંય સંશોધનોમાં આ સાબિત થઇ ચૂક્યું છે. વેક્સિનેશન પર કરવામાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV)ના સ્ટડીમાં કેટલીક આવી જ જાણકારીઓ સામે આવી છે.એક રિપોર્ટ મુજબ વેક્સિન કોરોનાના સૌથી ખતરનાક અને ઝડપથી ફેલાનારા ડેલ્ટા વેરિયન્ટથી થવાવાળા મૃત્યુ સામે 99% સુધી સુરક્ષા આપે છે. રિસર્ચના રિઝલ્ટથી ખબર પડે છે કે વેક્સિનેશન પછી સંક્રમિત થવાવાળા 9.8 % લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
જ્યારે માત્ર 0.4% સંક્રમિતોની મોત થયાં છે. વેક્સિનેટ વ્યક્તિના કોરોના સંક્રમિત થવા પર તેને બ્રેકથ્રો ઇન્ફેક્શન કહેવામાં આવે છે.વૈજ્ઞાનિકોએ જાણવા માટે સ્ટડી કર્યો હતો કે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા પછી પણ લોકો કેમ સંક્રમિત થઇ રહ્યા છે? રિસર્ચ માટે ભેગા કરવામાં આવેલાં સેમ્પલ્સમાં સૌથી વધારે સેમ્પલમાં ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યા હતા. આલ્ફા, કપ્પા અને ડેલ્ટા પ્લસના ઓછા કેસ જોવા મળ્યા. NIV નો આ સ્ટડી ટૂંકમાં જ પ્રકાશિત કરવામાં આવશે. NIV ના સ્ટડીમાં સામે આવ્યું છે કે ડેલ્ટા વેરિયન્ટનો પ્રથમ કેસ ઓક્ટોબર 2020માં મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાંથી મળ્યો હતો. કોરોનાની બીજી લહેર માટે આજ વેરિયન્ટને જવાબદાર માનવામાં આવે છે. સ્ટડી માટે 53 સેમ્પલ મહારાષ્ટ્રથી માર્ચ અને જૂન મહિના વચ્ચે લેવામાં આવ્યાં હતાં.
સૌથી વધારે 181 સેમ્પલ કર્ણાટકથી તો સૌથી ઓછા 10 બંગાળમાંથી લેવામાં આવ્યાં છે. વાઇરસના વેરિયન્ટને શોધવા માટે આ સેમ્પલની જિનેટિક સિક્વન્સિંગ પણ કરવામાં આવી.સ્ટડી માટે મોટે ભાગે 31થી 56 વર્ષની વયના લોકોના નમૂના લેવામાં આવ્યા હતા. આમાંથી 65.1% પુરુષ હતા. 71% દર્દીમાં સંક્રમણનાં લક્ષણો વધારે હતાં. 69% ને તાવ હતો (સામાન્ય લક્ષણો). ચેપગ્રસ્ત 56% માં માથાનો દુખાવો અને ઊલટીનાં લક્ષણો હતાં. 45%ને કફ અને 37%ને ગળામાં દુખાવો હતો.બીજી લહેરમાં આપણે કોરોનાની ભયાનકતા જોઈ. એમાં આપણે જાણ્યું કે મહામારી કેટલી ઘાતક થઇ શકે છે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે, પરંતુ તેની સાથે આ લહેરે ત્રીજી લહેરથી કેમનું લડવું તે પણ શિખવાડ્યું છે.વેક્સિનેશન એ કોરોના ચેપથી બચવા માટેનો એકમાત્ર રસ્તો છે.
તેમાં પણ વેક્સિનનો બીજો ડોઝ સૌથી મહત્ત્વપૂર્ણ છે. જ્યાં સુધી તમારી પાસે બંને ડોઝ ન આવે ત્યાં સુધી તમે ચેપના જોખમથી સંપૂર્ણપણે મુક્ત નથી.દેશમાં કોરોના ત્રણેય વેક્સિન ડબલ ડોઝની છે. આવી સ્થિતિમાં જો તમે રસીનો એક ડોઝ લીધો હોય, તો ચોક્કસપણે બીજો ડોઝ લો. કોવિશીલ્ડનો બીજો ડોઝ પ્રથમ ડોઝના 12 અઠવાડિયાં પછી આપવામાં આવશે. જો તમે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, તો તમારી પાસે 4થી 6 અઠવાડિયાંની વચ્ચે બીજો ડોઝ લગાવી શકો છો. સ્પુતનિક-વીના બે ડોઝ 21 દિવસના અંતરે લગાવવા પડે છે.