ભરૂચ શહેરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહયું છે, લોકો બેફામ કચરો ફેંકી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને જાગૃતિ લાવવા માટે અનેક પહેલ ચલાવવામાં આવી છે, લોકોના ઘર સુધી કચરાની ગાડીઓ આવવા છતાં લોકો જ્યાં ત્યાં બેફામ કચરો નાંખતા હોય છે અને જ્યાં ત્યાં ગમે તેમ થૂકીને ભરૂચ શહેરને ગંદુ કરતાં હોય છે. શું માત્ર સરકારની જ જવાબદારી છે ભરૂચને સ્વચ્છ રાખવાની..? કે પછી ભરૂચ વાસીઓની પણ જવાબદારી છે. જે અંગે જાગૃતિ લાવવા માટે કોલેજના યુવાનો દ્વારા રોટરી કલબ ખાતે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ઈનટરેકટ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ એક શેરી નાટકનું આયોજન ઈનટરેકટરસ દ્વારા કોલેજ રોડ તથા એમ.આઈ. પટેલ રોટરી યુથ સેન્ટર પર કરવામાં આવ્યું હતું. આ મહામારીમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતતા લાવવાનો અને આપણા શહેરને સ્વચ્છ તથા સુઘડ બનાવી બિમારીઓથી દુર રાખવાના હેતુ સાથે આ નાટક ભજવવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રો. ડો. વિક્રમ પ્રેમ કુમાર, સેકરેટરી રો. રચના પોદાર તથા અન્ય રોટેરીયન સભ્યોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.