ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે પ્રાથમિક કુમાર શાળા ખાતે મા કાર્ડ વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઝઘડીયા તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
અત્રે યોજાયેલ આ મા કાર્ડ કાર્યક્રમમાં જુના કાર્ડ રીન્યુ કરાવનાર તેમજ નવા કાર્ડ બનાવવાની જરૂરવાળા કુલ ૬૫ જેટલા લાભાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. તાલુકા ભાજપા યુવા મોરચાના પ્રમુખ ધ્રુપલ પટેલ, ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાન્ત પંડ્યા, ભાજપા અગ્રણી દિનેશભાઇ ઉપરાંત ધવલ પટેલ, પ્રિતેશ પટેલ સહિત યુવા કાર્યકરો ઉપરાંત આરોગ્ય ટીમે કેમ્પમાં ઉપસ્થિત રહીને મા કાર્ડ રીન્યુ કરાવવા માંગતા તેમજ નવુ કાઢવાની જરૂરવાળા લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપીને કાર્ડ બનાવી આપવામાં મદદરૂપ બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે વિવિધ શારીરિક બિમારીઓની સારવાર દરમિયાન મા કાર્ડ ઉપયોગી સાબિત થતા હોય છે. ઉમલ્લા ગામે યોજાયેલ આ મા કાર્ડ કેમ્પથી સ્થાનિક નાગરીકોમાં ઉત્સાહ ફેલાયો હતો. ગ્રામ્ય સ્તરે આવા કાર્યક્રમો યોજાય તો લાભાર્થીઓને તાલુકા મથકે જવાના ફેરામાંથી છુટકારો મળતો હોય છે. તેથી તાલુકામાં સમયાંતરે આવા કાર્યક્રમો યોજાતા રહે તે જરૂરી ગણાય. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ