400 કરોડથી ઉપરાંતના કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજને અષાઢી બીજના દિવસથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમય પહેલાથી જ બ્રિજને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું પરંતુ લોકર્પણના એક અઠવાડીયા પછીથી જ અંધેરી રાત જેવો ઘાટ સર્જાય રહ્યો હોય તેમ અંકલેશ્વર તરફ દક્ષિણ છેડા તરફની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતા વાહનચાલકોએ અંકલેશ્વર તરફ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનું વીડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો જ્યારે ભરૂચ તરફ થોડી ઘણી સ્ટ્રીટ લાઇટો ચાલી રહી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ત્યારે નર્મદામૈયા બ્રીજ પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તે પહેલા તંત્ર સ્ટ્રીટ લાઈટની મરામત કરાવે તે જરૂરી છે. ભરૂચ, અંકલેશ્વર અને જોડતાં નર્મદામૈયા બ્રીજનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અષાઢી બીજના પવિત્ર દિવસે થયુ હતુ અને સમગ્ર નર્મદામૈયા બ્રીજને રંગબેરંગી એલઇડી લાઇટ ઝળહળતું કરી દેવાયો હતો.
જેના કારણે મોટી સંખ્યામાં લોકો બ્રિજ ઉપર સેલ્ફી માટે ઊમટી રહ્યા હતા અને ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ નર્મદામૈયા બ્રીજનો થયો હોય તેમ અંકલેશ્વર તરફના દક્ષિણ છેડા તરફની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે માત્ર ભરૂચ તરફની સ્ટ્રીટ લાઇટો ચાલુ રહી હતી.
જોકે નર્મદામૈયા બ્રીજના લોકાર્પણના ગણતરીના જ દિવસો થયા છે ત્યાં જ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવાનો ભય સતાવી રહ્યો છે.
રિધ્ધી પંચાલ, ભરુચ