ભરૂચ નગરપાલિકાના પ્રમુખે ખોટા દસ્તાવેજી પુરાવાના આધારે પ્રમુખ બન્યા હોવાના આક્ષેપમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે ગૃહ વિભાગના પરિપત્ર અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલ્લંઘન કરતા ફરિયાદીએ બેજવાબદાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કોર્ટમાં રાવ નાખતા કોર્ટે પણ ઇન્કવાયરીનું ફરમાન કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવની મળતી માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનુસૂચિત જાતિની પ્રમુખપદની બેઠક હોવાના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર ૫ માંથી સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી માટે અમિત ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી.
તેઓના જાતિના પ્રમાણપત્રમાં છાબરડા કરીયા હોવાના આક્ષેપો થતાં સમગ્ર પ્રકરણમાં સાચી દિશામાં તપાસ થાય તે માટે ફરિયાદી દિનેશ ખુમાણે ભરૂચના પોલીસ મથકોમાં ફરિયાદ આપી હતી પરંતુ પોલીસ મથકના જવાબદાર અધિકારીઓએ એનકેન પ્રકારે ફરિયાદ દાખલ કરી ન હતી જેના કારણે ફરિયાદીને ન્યાય મેળવવાની આશાએ કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા.
કોર્ટમાં ફરિયાદી અનેક પુરાવા રજુ કરતા તેમાં તથ્ય જણાવતા કોર્ટે પણ સમગ્ર પ્રકરણમાં નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સામે ગુનો દાખલ કરી તપાસના આદેશ આપ્યા હતા. જોકે સમગ્ર પ્રકરણમાં હજુ તપાસ ચાલી રહી છે ત્યાં જ બેજવાબદાર પોલીસ અધિકારીઓમાં બે પોલીસ મથકના પી.આઇ ૧ એસ.પી તથા એક પોલીસ કોન્સ્ટેબલ સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ ફરિયાદીએ ન્યાયની આશા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં પોલીસે તેઓની ફરિયાદ એનકેન પ્રકારે ન લીધી હોવાના આક્ષેપ કરતાં સમગ્ર પ્રકરણમાં કોર્ટે પણ બેજવાબદાર પોલીસ અધિકારીઓ સામે ઇન્કવાયરી કરવાનો હુકમ કર્યો હતો જેમાં એ-ડિવીઝન પી.આઇ એમ.કે ભરવાડ તથા સી ડિવિઝન પોલીસ મથકના દીપક ઉનડકટ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા સિંધવાઈ પોલીસ ચોકીના એક કોન્સ્ટેબલ મળી ચાર જણા સામે ઈ.પી.કો.ની કલમ 166 (a) મુજબ કોર્ટમાં રાવ નાખતા કોર્ટે સમગ્ર પ્રકરણમાં અધિકારીઓ સામે ઇન્કવાયરીનો હુકમ કરતા સમગ્ર ભરૂચ જીલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ પોલીસ અધિકારીઓએ ગૃહવિભાગ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોય તેવું જણાઈ આવતા કોર્ટે પણ પોલીસ સામે ઇન્કવાયરી અંગેનો હુકમ કર્યો છે.