ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગામડાઓને જોડતા રસ્તાઓ પૈકી કેટલાક ગામડાઓને તાલુકા મથક સુધી જોડતા રસ્તા બિસ્માર હોવાથી જનતા હાલાકિ ભોગવે છે. ઝઘડીયાથી વાલિયા તાલુકાને જોડતો રોડ પણ બિસ્માર હાલતમાં છે. ઝઘડિયાથી ખારીયા ગામને જોડતો રોડ પણ તદ્દન ખરાબ થઈ ગયો છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં પાંચથી વધુ રહેણાંક સોસાયટીઓ આવેલી છે તથા ઝઘડિયા આઈટીઆઈ પણ આજ ખારીયા રોડ પર આવેલી છે. આ રોડની ખરાબ હાલતને કારણે ઝઘડિયાના રહીશો તેમજ ખારીયા ગામના રહીશો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.
ઝઘડિયા આઇટીઆઇના ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ પણ આ રોડનો ઉપયોગ કરતા હોઇ, તેમને હાલાકીનો સામનો કરવો પડે છે. ચોમાસા દરમિયાન રોડ ઠેર-ઠેર તુટી ગયો છે અને ખાડાઓ પાણીથી ભરાય રહેતા હોવાથી વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડના સમારકામ બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં આજદિન સુધી નિરાકરણ આવેલું નથી. ઝઘડિયા ગ્રામ પંચાયતની હદની સોસાયટીના રહીશો તેમજ ખારીયા ગામના રહીશો આ રોડના સમારકામની કામગીરી તાત્કાલિક શરુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ