અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક તરફ સ્વચ્છતા અને વિકાસની મોટી મોટી વાતો કરી દેવામાં આવી છે પરંતુ ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર ખુલ્લી ગટર તથા ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ પાસે જ છેલ્લા ઘણા સમયથી મોટી ખુલ્લી ગટરો જોવા મળી હતી. ખુલ્લી ગટરોને કારણે ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે અને દુર્ગંધ પણ મારતી હોવાને કારણે આસપાસના વિસ્તારના રહીશોએ હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે.
મુખ્ય માર્ગ પર જ ખુલ્લી ગટરોને લઈને પગપાળા ચાલતા લોકો માટે પણ જીવનો જોખમ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વહેલી તકે મુખ્ય માર્ગોની ખુલ્લી ગટરોને ઢાંકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો મોટી જાનહાનિ થઈ શકે એમ છે. ખુલ્લી ગટરોને કારણે મછરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો હોવાથી મેલેરિયા અને કોલેરા જેવા રોગ થવાનો ભય સતાવી રહ્યો છે જેને પગલે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માંગ કરવામાં આવી હતી.
મુકેશ વસાવા, અંકલેશ્વર