સુરત જિલ્લાના ઓલપાડના દભારી ગામે એક વિદ્યાર્થિનીને એક ઝેરી સાપે ડંખ મારતા તાત્કાલિક સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. એટલું જ નહીં પણ ડોક્ટરોએ પૂછ્યું કયો સાપ કરડ્યો તો પરિવારે થેલીમાંથી મૃત સાપ કાઢી બતાવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.
જોકે હાલ શ્રમજીવી પરિવારની એકની એક દીકરી ડિમ્પલની તબિયત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે. સર્પ ડંખ પીડિત દીકરીના પિતા તેજસ પટેલએ જણાવ્યું હતું કે ઘટના સવારે લગભગ 8:30 વાગ્યાની છે. હું પેટ્રોલ પંપ પર કામે ગયો અને એની માતા ઘરકામ માટે નીકળી ગઈ હતી. ઘરમાં બીજું કોઈ નહોતું, ઘર આંગણે જ જરખ નામના સાપે ડંખ મારતા ચિચયાળી સાથે ડિમ્પલ જમીન પર પડી ગઈ હતી.
આજુબાજુના લોકો દોડી આવતા સાપને જોઈ મારી નાંખ્યો હતો. તાત્કાલિક 108 ને કોલ કરતા રાંદેર લોકેશનની ગાડીના EMT સાથે વાત કરાવવામાં આવી હતી. જોકે 20 કિલોમીટર દૂર હોવાથી અમે ખાનગી વાહનમાં ડિમ્પલને સારવાર માટે લઈને આવતા હતા. દિહેણ ગામ નજીક 108 દેખાતા ઉભી રાખી ડિમ્પલને એમાં લઈ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
લગભગ 9:45 નો સમય એટલે સાપ કરડ્યા બાદ એક કલાકથી વધુનો સમય થઈ ગયો હતો. જોકે સિવિલ આવતા જ ડોક્ટરોએ ડિમ્પલને તાત્કાલિક તમામ સારવાર આપી એને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બે સંતાનોમાં એક દીકરો અને બીજી નાની દીકરી છે. ડિમ્પલ ધોરણ-9 માં અભ્યાસ કરે છે. સાહેબ સમયસર સારવાર મળી ગઈ હોત તો આજે મારી દીકરી આ પરિસ્થિતિમાં ન હોત, મારી દીકરીને બચાવી લો.