શહેરના ગણેશ મંડળોના અગ્રણીઓ, મૂર્તિકારો અને વીએચપીએ ગુરુવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમની માંગણી હતી કે, તંત્ર સાદગીપૂર્ણ ઉજવણીની પરવાનગી આપે તથા મંડપ બનાવવા માટેના માપદંડ, મૂર્તિની ઉંચાઈ સહિતની ગાઇડલાઇન વહેલી તકે જાહેર કરે જેથી આ ઉત્સવ સાથે જોડાયેલા તમામ લોકોને કોઇ નુકશાન ન થાય. શહેરમાં 1 લાખથી વધારે નાની મોટી મૂર્તિઓનું વેચાણ થાય છે અને 10 હજારથી વધુ ગણેશ મંડળો છે.
આ ઉત્સવના કારણે શહેર-જિલ્લામાં 1 લાખ જેટલા લોકોને રોજગાર મળે છે. શહેરમાં મૂર્તિના 12 કરોડના વેપાર ઉપરાંત ડેકોરેશન, ડી.જે., લાઇટિંગ, વિસર્જન માટેના વ્હીકલ, કેટરર્સ સહિતનો 4 કરોડથી વધુનો વેપાર છે.આયોજકો, મૂર્તિકારોએ કલેક્ટર સમક્ષ વહેલી તકે પરવાનગી આપી ગાઇડલાઇન જાહેર કરવા માંગ કરી છે. કલેક્ટર આ માંગણી ગૃહ વિભાગને મોકલી નિર્ણય અંગે જાણ કરશે.
અમે ટૂંક સમયમાં પોલીસ અને કલેક્ટરને જલદીથી ગાઇડલાઇન જાહેર કરવા આવેદન આપીશું. શહેરમાં 10 હજાર ગણેશ મંડળો છે. અગાઉના વર્ષોમાં 10 હજાર જેટલી મોટી મૂર્તિઓ અને 50 હજાર નાની મૂર્તિઓની મંજૂરી લોકો લેતા હતા. સરકાર 10×10 ના મંડપની પરવાનગી આપે તો પણ સાદગીપૂર્વક ઉત્સવ ઉજવી શકાય.
દક્ષિણ ગુજરાત વેલફેર એસો.ના ધર્મેશ પડવાલે જણાવ્યું કે, શહેરમાં 1 લાખની જરૂરિયાત સામે 25-30 હજાર મૂર્તિ બને છે બાકીની મુંબઈથી આવે છે. ગયા વર્ષે જે થયું ત્યારબાદ 50 ટકા વેપારીઓ અને 60 થી 70 ટકા કારીગરો અન્ય કામમાં લાગી ગયા છે. પહેલા પીઓપીની મૂર્તિ સસ્તી, ટકાઉ અને ઓછા સમયમાં બનતી હતી પણ માટીની મૂર્તિને પ્રમોટ કરાતા હવે કારીગરો પણ નથી મળતા અને માટીની મૂર્તિ વધુ સમય સાચવી પણ શકાતી નથી. જેથી મૂર્તિઓ બહારથી જ મંગાવવી પડે છે. હવે 80 ટકા માટીની મૂર્તિઓની ડિમાન્ડ છે. સરકાર ગાઇડલાઇન જાહેર નહીં કરે તો મોટું નુકશાન થઈ શકે છે. પીઓપીની 1.5-2.5 ફૂટની મૂર્તિ રૂ. 500 માં મળી જાય છે જ્યારે માટીની મૂર્તિ રૂ. 1500-2000 માં મળે છે.