અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસાની વચ્ચે તાલિબાનની જંગલિયતતા દર્શાવતો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગોળીઓ પૂરી થયા પછી અફઘાન કમાન્ડો તાલિબાનની સામે આત્મસમર્પણ કર્યું હતું. તેઓ સતત સરન્ડરની વાત કહી રહ્યા હતા. તેમ છતાં કટ્ટરપંથી તાલિબાન આતંકીઓએ હથિયાર વગરના સૈનિકો પર ગોળીઓ ચલાવી તેમને ઠાર કર્યા હતા. આમ, અફઘાન આર્મીના નિશસ્ત્ર 22 કમાન્ડો આ નરસંહારમાં મૃત્યુ પામ્યા હતા.
અફઘાન સૈનિકોએ પોતાના હાથ ઉઠાવ્યા છે અને કેટલાક જમીન પર ઝૂકી ગયા છે. વીડિયોમાં અવાજ આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગોળી ન મારો, ગોળી ન મારો. એ પછી તરત જ આતંકવાદીઓએ અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને નિશસ્ત્ર સૈનિકો પર ગોળીઓ ચલાવી. એક રિપોર્ટ મુજબ નરસંહાર અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતના દૌલતાબાદ વિસ્તારમાં 16 જૂને થયો હતો. CNN એ આ હુમલા સાથે સંકળાયેલો વીડિયો જાહેર કર્યો છે.
અહીં તાલિબાનના વધતા જોરના પગલે સરકારે અમેરિકા દ્વારા તાલીમ અપાયેલા કમાન્ડોની ટીમને મોકલી હતી, જેથી આ ક્ષેત્ર પર ફરીથી કબજો મેળવી શકાય. આ ટુકડીમાં એક રિટાયર્ડ આર્મી જનરલનો પુત્ર પણ સામેલ હતો. હથિયાર પૂર્ણ થયા પછી તેમણે મદદ માંગી હતી, જોકે આમ શક્ય ન બન્યું. આ ઘટનાનો ફાયદો ઉઠાવતા તાલિબાનીઓએ આ ટીમને ઘેરી લીધી હતી. રેડ ક્રોસે પુષ્ટિ કરી છે કે 22 કમાન્ડોના શબ મળ્યા છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું હતું કે હજી પણ તેમના કબજામાં 24 કમાન્ડો છે. જોકે આ અંગેની પુષ્ટિ માટે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. જોકે અફઘાનિસ્તાન રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે તાલિબાને કમાન્ડોને મારી નાખ્યા છે.