ભરૂચ અને અંકલેશ્વરના લોકોને હવે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળવાની વાતો સામે આવી હતી પરંતુ ટ્રાફિક જાણે ભરૂચ અંકલેશ્વરના લોકોને વળગીને જ બેઠો હોય તેમ જણાઈ રહ્યું છે, ગતરોજ રાત્રિનાં સમય દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ચક્કાજામ થયા હતા અને વાહન ચાલકોના સમયનો વેડફાટ થયો હતો.
થોડી જ ક્ષણમા રાત્રિના સમય દરમિયાન વાહનોની લાંબી કતારો થઈ ચૂકી હતી જેને પગલે વાહચાલકોમાં રોષનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરના રેલ્વે ક્રોસિંગથી લઈને મહાવીર ટર્નિંગ સુધી વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા જેને કારણે વાહન ચાલકોના સમય અને ઈંધણનો વેડફાટ થઈ રહ્યો હતો.
ટ્રાફિકની સમસ્યા ત્રણેય બાજુથી એકસાથે આવતા વાહનોને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ચક્કાજામમાં એકાએક વધારો થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને ખુલ્લો મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મુકેશ વસાવા, અંકલેશ્વર