ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે રહેતા મીનાક્ષીબેન પ્રદીપભાઈ માછીનો નવ વર્ષનો પુત્ર ગામમાં જ ટ્યુશન જાય છે. છેલ્લા ત્રણ દિવસથી મીનાક્ષીબેનના પુત્રને ગામનો ભાઈલાલ ભીખાભાઈ માછી નામનો ઇસમ માર મારતો હતો, જેથી મીનાક્ષીબેનના સસરાએ ભાઈલાલ ભીખાભાઈ માછીને ઠપકો આપી માર્યો હતો. ગતરોજ મીનાક્ષીબેન ઘરે હાજર હતા તે વખતે તેમના ઘરના માણસો સાથે ભાઈલાલ ભીખાભાઈ માછી રીસ રાખીને ઝઘડો કરતો હતો, જેથી મીનાક્ષીબેન ત્યાં દોડી ગયા હતા. દરમિયાન ભાઈલાલ માછી, અર્જુન માછી, રાજુ માછી, સંજય માછી, પાર્વતીબેન શીતલબેન તેમજ મીનાબેન, મીનાક્ષીના પતિ પ્રદિપ તથા સાસુ-સસરા સાથે ગમે તેમ ગાળો બોલતા હતા અને ભાઈલાલ માછી તેમના સસરાને કહેતો હતો કે તે મને ગઈકાલે કેમ માર્યો હતો, એમ કહીને તેણે મીનાક્ષીબેનના સાસુ સોમીબેનને માથા તેમજ હાથના ભાગે લાકડીના સપાટા માર્યા હતા. અર્જુને પણ સોમીબેનને પાઇપનો સપાટો માથાના ભાગે મારી દીધો હતો.
ઉપરાંત અર્જુને મીનાક્ષીબેનના પતિને પણ પાઇપના સપાટા માર્યા હતા. રાજુભાઈએ મીનાક્ષીબેનને પણ લાકડીનો સપાટો માર્યો હતો, ત્યારબાદ તે લોકો મીનાક્ષીબેનના પરિવારના સભ્યોને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ મારામારી દરમિયાન ગામના અન્ય ઈસમો આવી જતા તેઓને છોડાવ્યા હતા. આ મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા મીનાક્ષીબેનના પરિવારજનોને એમ્બ્યુલન્સ દ્વારા અવિધા સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ અંગે મીનાક્ષીબેન પ્રદીપભાઈ માછીએ (૧) ભાઈલાલ ભીખાભાઈ માછી,(૨) અશોકભાઈ લાલભાઈ માછી, (૩) અર્જુન ભાઈલાલભાઈ માછી,(૪) રાજુ ભાઇલાલભાઈ માછી, (૫) સંજય બાબરભાઈ માછી, (૬) પાર્વતી ભાઈલાલભાઈ માછી, (૭) શીતલ અશોકભાઈ માછી અને (૮) મીના અર્જુન માછી વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ