ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જંબુસર તાલુકાના છિદ્રા ગામે કરવામાં આવ્યુ હતુ.અત્રે મહાદેવ મંદિર ખાતે ભરૂચ જીલ્લા કન્વીનર પંકજભાઈ ભુવાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મહિલાઓ સહિત ૨૦૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વિવિધ સામાજિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. કોરોના કાળમાં પણ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવતી હતી. હાલ ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલના ૫૬ મા જન્મદિન નિમિત્તે ગુજરાતભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશભાઇ પટેલ દ્વારા સતત ૨૧ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે.આ પ્રસંગે જંબુસર તાલુકા ખોડલધામ યુવા સમિતિના શક્તિ પટેલ, ચંદ્રકાન્ત પટેલ, દિલીપભાઈ પટેલ હાજર રહ્યાં હતાં. પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને શિક્ષણવિદ મહેશભાઈ પટેલે પ્રસંગોચિત વકતવ્યમાં જણાવ્યું કે કોઇપણ સમાજ કે રાષ્ટ્રના ઉત્થાન માટે યુવાનોને સાચી દિશા આપી તૈયાર કરવા ખુબજ જરુરી છે.યુવાનો જ સમાજ અને રાષ્ટ્રને વિકાસની ગતિ તરફ લઈ જશે. યુવાનોને માત્ર દિશા આપવાની જરૂર છે, અને તે કાર્ય ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે રક્તદાનનું મહત્વ સમજાવીને દરેક વ્યક્તિએ તે માટે આગળ આવવુ જોઇએ એવો અનુરોધ કર્યો હતો. મનુષ્ય જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ સમજાવીને વૃક્ષારોપણનો વ્યાપ વધારવાની વાત પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી..