ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોકસો એક્ટ મુજબના ગુનાનો આરોપી કંચનભાઇ ભોપીન્દ્રભાઇ વસાવા રહે.ખાખરીપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચનાને તા.૭ મી જુલાઇના રોજ મેડિકલ ટેસ્ટ માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાતા આ આરોપી બાથરૂમ જવાનું બહાનુ કાઢીને ફરજ પરના પોલીસ કર્મીને ધક્કો મારીને દવાખાનાની દિવાલ કુદી શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ ઉમલ્લા પીએસઆઇ વી.આર.ઠુમ્મરે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને કરતા તેમના માર્ગદર્શન હેઠળ ઉમલ્લા રાજપારડી અને નેત્રંગ પોલીસ સ્ટેશનની અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને ખેતરોને કોર્ડન કરાયા હતા. તેમજ ડ્રોન કેમેરાની મદદથી તપાસ આરંભતા ભાગી છુટ્યાના ગણતરીના કલાકોમાં રાતના સાડા દસ વાગ્યે ખાખરીપુરા ગામની સીમના ખેતરોમાં સંતાઇ રહેલ આ આરોપી અંધારામાં બહાર નીકળીને ભાગવા જતા વોચમાં રહેલ પોલીસ જવાનોના હાથે ઝડપાઇ ગયો હતો. આ આરોપી કંચન વસાવા વિરુધ્ધ ઉમલ્લા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ