કોરોનાએ કોઈને છોડ્યા નથી. કોરોનામાં લાખો લોકોએ પોતાના જાન ગુમાવ્યા. કોઈનો લાડકવાયો ગુમાવ્યો, તો કોઈના માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની ગુમાવ્યા, તો કેટલાકનો આખો પરિવાર કોરોના ભરખી ગયો. જેનું પરિવાર જન જાય એનું દુઃખ અસહ્ય હોય છે ત્યારે ગુજરાત સરકારે કોરોનામા જેણે માતા પિતા ગુમાવ્યા હોય એવા બાળકો માટે ૧૮ વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા ૪,૦૦૦/- ની સહાય આપવાની યોજના અમલી બનાવી છે. જે અંતર્ગત રાજપીપલા ખાતે અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આવા બાળકોને શોધીને યોજનાનો લાભ આપવાનું નક્કી થયું હતું તે અંતર્ગત નર્મદા જિલ્લામા કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર અનાથ 12 બાળકોને શોધી કઢાયા હતા. અને તેમને રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ૨ લાભાર્થી બાળકોને પ્રતિક રૂપે કિટ અને ઓનલાઇન પેમેન્ટના મંજૂરીપત્રો એનાયત કરાયા હતા.
ગુજરાતમાં માર્ચ-૨૦૨૦ થી કોવિડ-૧૯ ની મહામારીના સમયગાળા દરમિયાન કોરોનાને લીધે જે બાળકે પોતાના બંને માતા-પિતા ગુમાવ્યા હોય તેવા કુલ-12 જેટલા અનાથ બાળકોને જિલ્લા પ્રશાસન તરફથી શોધી કાઢવામાં આવ્યા છે. ભારત સરકારના નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા આ બાળકોની બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરવાની થતી ઓનલાઈન એન્ટ્રી પણ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી.
જે અનુસંધાને રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ સહિતના મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લાના ૨ લાભાર્થી બાળકોને પ્રતિક રૂપે કિટ સહિત ઓનલાઇન પેમેન્ટના મંજૂરી હુકમો એનાયત કરીને પ્રોત્સાહિત કરાયાં હતાં. નર્મદા જિલ્લામાં હાલમાં કુલ-૧૨ જેટલાં બાળકોને આ યોજનાનો લાભ અપાશે.
સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે બાળકો સાથે આવેલા તેમના પાલક વાલી સાથે પણ સંવેદનાસભર સંવાદ કરી બાળકના માતા પિતા વિશે પૃચ્છા કરી હતી.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા બંન્નેની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી દરેક બાળકના ખાતામાં દર મહિને રૂા.૪ હજાર જમા થશે. નર્મદા જિલ્લામાં એવા ૧૨ બાળકોની જિલ્લા વહિવટીતંત્રએ શોધખોળ કરી છે તેવા ૧૨ જેટલાં બાળકોને આ યોજનાનો લાભ મળશે.
વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે એક બાળક અને એક બાળકી એમ બે બાળકોને કલેક્ટર ઓફિસમાં આ સહાયનો લાભ આપવામાં આવ્યો છે. બાકીના ૧૦ જેટલાં બાળકોને પણ આનો પૂરેપુરો લાભ મળશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે, ગરીબો માટે કામ કરનારી આ સંવેદનશીલ સરકાર છે. કોરોના મહામારી દરમિયાન જેમણે માતા-પિતા ગુમાવ્યા હોય તેવા લોકોની પણ આ સરકારે ચિંતા કરીને આ બાળકોનો આધાર બનવાનો સેવાયજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, કમિશ્નર દિલીપ રાણા, સમાજ સુરક્ષા વિભાગના નિયામક જી.એન.નાચીયા વગેરેની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કોવિડ-૧૯ ની મહામારી દરમિયાન માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા રાજ્યભરના ૭૭૬ જેટલાં બાળકોને દરમહિને રૂા. ૪ હજારની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા બાળકોના ખાતામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ઓનલાઇન પેમેન્ટ થકી જમા કરાવ્યાં હતાં, જેમાં નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચનાસાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, સમાજ સુરક્ષા અધિકારી સુશ્રી પી.એફ.ખોજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર અને લાભાર્થી બાળકો અને તેમના પાલક વાલીઓ વગેરે પણ આ કાર્યક્રમમાં જોડાઇને તેમાં સહભાગી બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”ના લાભો મેળવવા માટેની પાત્રતા જોઈએ તો ૦ થી ૧૮ વર્ષ સુધીની વયજુથના બાળકોના માતા અને પિતા બન્નેનું કોરોના સમયગાળા દરમિયાન અવસાન થયુ હોય તેવા બાળકોને, કોરોનાના સમયગાળા અગાઉ જે બાળકના માતા-પિતા બન્નેનું અવસાન થયુ હોય તે બાળકના પાલક માતા / પિતા પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને, જે બાળકના એક વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં પણ નિરાધાર થયેલ બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.
તદઅનુસાર આ યોજના હેઠળ બાળક ૧૮ વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા ૪,૦૦૦/- (બાળક જે માસમાં અનાથ થયેલ હોય તે માસથી સહાય મળવા પાત્ર થશે.), ૧૮ વર્ષ પુર્ણ કર્યા પછી જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની “આફટર કેર યોજના” નો લાભ ૨૧ વર્ષની ઉંમર સુધી મળવા પાત્ર થશે, ૨૧ વર્ષ પુર્ણ કર્યા બાદ પણ જે યુવક / યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય-એ બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી તેમને “આફ્ટર કેર યોજના” હેઠળ લાભ આપવામાં આવશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા