નર્મદા જિલ્લો એ આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં મહદઅંશે આદિવાસીઓ ખેતી આધારિત જીવન જીવે છે. ખાસ કરીને ગ્રામ્ય અને પહાડી વિસ્તારોમાં ડુંગરઅને ઢોળાવ પર આકાશી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધારે છે. અહીંના લોકો ખાસ કરીને પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં નર્મદામા પ્રથમ વરસાદ થતાં જ ખેડૂતોએ મોંઘા મોંઘા બિયારણો લાવી વાવણી કરી નાંખી છે. પરંતુ હવે વરસાદ ખેંચાતા આ બિયારણ બફાઈ જવા માંડ્યું છે અને જો વરસાદ નહીં આવે તો બિયારણ અને ઉગી નીકળેલા ધરું નષ્ટ થઈ જવાની સંભાવના છે. જેને કારણે
ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા છે.
નર્મદા પંથકમાં એક જ વાર મેઘરાજાનું હળવા ઝાપટા સાથે વરસાદ આગમન થયું હતું. ત્યારબાદ નર્મદા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી નર્મદા પંથકમાં વરસાદ જગતના તાતને હાથતાળી આપી જાણે છટકી ગયો છે. ત્યારે હવે નર્મદાના ખેડૂતો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલ
તો નર્મદામા વરસાદના કોઈ એંધાણ વર્તાતા ન હોવાના કારણે ખેડૂત સહિત અન્ય વેપારીગણ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. જો સમયસર વરસાદ નહીં આવે તો શું થશે ? કારણ કે હાલ તોનર્મદા પંથકમાં મોટાભાગે ખેડૂતોએ મેઘરાજાના પ્રથમ આગમનથી મોંઘા મોંઘા બિયારણ અને ખાતરો લાવી ખેતી કરી નાંખી છે. પરંતુ મેઘરાજા મહેરબાન નથી થતાં એ એક ચિંતાનો વિષય બન્યો છે. એકબાજુ કોરોનાએ લોકોના તમામ રોજગાર પર માઠી અસર પહોચાડી છે. ત્યારે હવે વરસાદ ન આવતા કુદરત પણ જગતના તાતની પરીક્ષા લઈ હોય તેમ કાગડોળે રાહ જોવડાવી રહ્યો છે. ત્યારે જગતનો તાત પણ આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. હવે નર્મદા પંથકના ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ આકાશ સામે મીટ માંડી વરસાદની રાહ જોઇ રહ્યા છે.હવે ખેડૂતો વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા છે. વાવડીના ખેડૂત પરેશભાઈ પટેલ જણાવે છે કેપાણીના અભાવે કેળના થડ વચ્ચેથી ભાંગી પડ્યાછે. લૂમનો કાચો માલ તૂટી પડતા ખેડૂતોને કેળના પાકમાં પણ મોટો ફટકો પડયો છે. આ સપ્તાહમા વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટુ નુકશાન થશે.
ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામા હાલ 75051 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. પહેલા વરસાદમા વાવેલું બિયારણ ઉગી તો નીકળ્યું છે. પણ આ સપ્તાહમાં વરસાદ નહીં આવે તો પાક બળી જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. હાલ નર્મદામા તાલુકાવાર વાવેતરના આંકડા જોઈએ તો ડેડીયાપાડા તાલુકામાં 24296 હેકટર મા વાવેતર કર્યું છે તો ગરુડેશ્વર તાલુકામાં 8521 હેકટર, નાંદોદ તાલુકામાં 18923 હેકટર, સાગબારા તાલુકામાં 6915 હેકટર, અને તિલકવાડા તાલુકામાં 16396 હેકટરમા વાવેતર થયું છે પણ વરસાદ ખેંચાયો હોવાથી નર્મદામા 75051 હેકટરના વાવેતર પર ખતરો મંડાયો છે. ખેડૂતોએ મહામુલુ ખાતર બિયારણ લાવીને વાવણી કરી છે પણ વરસાદના અભાવે આ પાક બળી જાય તો ખેડૂતોને લાખોનુ નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. નર્મદા જિલ્લમાં ખેડૂતોએ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, તલ, સોયાબીન, કપાસ, શક્ભાજી અને ઘાસચારાનુ વાવેતર કરી દીધું છે. આ બધા પાક નષ્ટ થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે.
બીજી તરફ નર્મદાના ડેમો અને જળાશયોમા પણ પાણી ધાસ નથી રહ્યું. સરદાર સરોવરમાં 43 ટકા જ જળસંગ્રહ બચ્યો છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી ગઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 113.12 મીટર છે. પાંચ જુન 2020 એ સરદાર સરોવર ડેમની જળસપાટી 122.36 મીટર હતી. તો કરજણ ડેમમા પણ પાણીનો જથ્થો ક્ર્મશ: ઘટી રહ્યો છે. હાલ કરજણ ડેમમાં માંડ 44% પાણી છે. વરસાદના અભાવે ડેમો ભરાતા નથી. ત્યારે હવે ખેડૂતો કેનાલમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટે જણાવ્યું છે કે નર્મદામા જ્યાં બીન પીયત ખેતી થાય છે ત્યાં વરસાદ ખેંચાયો હોવાથી વાવેતરને નુકશાન થવાની શક્યતા છે. આ સપ્તાહમા ખેતીલાયક વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જશે. બીજી તરફ નર્મદામા વરસાદ ખેંચાયો હોવાથી કરજણ ડેમમાંથી કરજણ જળાશય યોજનાની ડાબા કાંઠા અને જમણા કાંઠાની કેનાલોમાં પાણી છોડવાની માંગ ઉઠી છે.હાલ ખેડૂતો પોતાના પાકને બચાવવા મરણીયા પ્રયાસો કરી રહ્યા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા