ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સીટી બસના વિરોધમાં ઓટો રિક્ષા એસોશીએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતો. આજરોજ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામની કોશિશ કરી હતી. ભરૂચની જાહેર જનતા માટે નગરપાલિકા દ્વારા સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સીટી બસ સેવા નગરપાલિકાની હદની 5 કિમી હદમાં આવતા આજુબાજુના વિસ્તારોમાં પણ દોડી રહી છે જેની સામે ઓટો રિક્ષા એસોશીએશન દ્વારા રજૂઆત કરી ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
જેને પગલે આજરોજ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા અન્ય રિક્ષાઓને પણ રોકી ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ભરૂચ પોલીસે તેઓને રોકી મામલાને હળવો કરાવ્યો હતો. મામલો વધુ બગડતાં બનતા નગરપાલિકા પ્રમુખે પણ દરમિયાનગીરી કરવી પડી હતી અને આગામી બે દિવસમાં રિક્ષા ચાલકોની 50 ટકા જેટલી માંગણીઓ સંતોષવા અંગેની બાંહેધરી આપી હતી જેના પગલે રિક્ષા ચાલકોએ ચક્કાજામનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.
મહત્વનું છે કે, સીટી બસ સેવાનો પ્રારંભ થતા કેટલાય નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા જે બેફામ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે તેની સામે પણ નગરજનોને રાહત મળી છે.