નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના બે ફળીયામાં પીવાના પાણીની સમસ્યા વિષે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે કે, ખોપી ગામની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તે માટે સાગબારા ડેડીયાપાડા જુથ પાણી પુરવઠા યોજનામાં ખોપી ગામનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમા ગામ સુધી સંપમાં પાણી પુરુ પાડવાની જોગવાઈ હતી જેમા સંપની નજીકના વિસ્તારમા આવેલ હયાત મીની યોજનાને જોડી યોજનાનો લાભ ગ્રામજનોને મળે તે મુજબ પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ ગ્રામજનો મેળવી રહ્યા છે.
ખોપી ગામના ટેકરા ફળીયા વિસ્તાર-ઉચાણ સદર યોજનામાં જોડાયેલ નથી તે જ પ્રકારે સાગબારા તાલુકાના બાકી રહેતા ફળીયાઓને યોજનાથી જોડવા સાગબારા ફળીયા કનેક્ટીવીટી યોજના મંજુર કરવામાં આવેલ છે, જેના ટેન્ડરને તા.૦૨/૦૭/૨૦૨૧ થી મંજુરી મળેલ છે. જે યોજના અંતર્ગત ખોપી ગામના ટેકરા ફળીયાને યોજનાથી જોડતી પાઇપલાઇન નાંખી ટુંક સમયમા પીવાનુ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત ખોપી ગામના તમામ ઘરોને પાણી મળે તે માટે ‘જલ જીવન મિશન’ અંતર્ગતની હર ઘર જલ યોજનામાં આવરી લેવામાં આવેલ છે. જેના મારફત ગામના તમામે તમામ ઘર સુધી પાઇપલાઇન મારફત પીવાનુ શુધ્ધ પાણી પુરુ પાડવાનુ આયોજન કરવામાં આવેલ છે. ખોપી ગામની હર ઘર નલ યોજનાને અંદાજીત કિંમત ૮૭ લાખ માટે જીલ્લા જળ સમિતીની બેઠકમા મંજુરી આપવામાં આવેલ છે તથા સદર યોજનાની કામગીરી ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે. આમ ખોપી ગામની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તે મુજબ પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા આયોજનબધ્ધ રીતે કાર્યવાહી હાથ ધરાયેલ હોવાનું પણ ઉક્ત સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા