આજરોજ વેલસ્પન કંપનીની બહાર 400 જેટલા કામદારો અનશન પર બેઠા છે તેના સમર્થનની અંદર રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદસિહ રણાએ મુલાકાત લીધી હતી. 400 કર્મચારીઓ દ્વારા અનશન કરવા છતાં કંપનીનું જાણે પેટનું પાણી હલતું નથી એ રીતે કોઈ પણ કામગીરી કરી રહ્યા નથી. કામદારો પોતાની મહેનત પૂર્વક કંપનીમાં કામ કરતા હતા અને તેમની કોઈ કારણોસર અંજાર ખાતે બદલી કરીને તેમણે માનસિક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
મળેલ માહીતી મુજબ અગાઉ શરૂઆતમાં 23/06/2021 ના રોજ ભરૂચ કલેકટર, એસ.પી, વાગરાના ધારાસભ્યને આવેદનપત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી ત્યારબાદ તા. 28/06/2021 ના રોજ ડિમાન્ડ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ હાલ 30/06/2021 ના રોજ રાજ્ય મુખ્યમંત્રી, શ્રમ આયુક્ત ભરૂચ, નાયબ શ્રમ આયુક્ત વડોદરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કંપની દ્વારા કરવામાં આવતી હેરાનગતિને પગલે 400 જેટલાં કામદારો હેરાન પરેશાન થઇ ચુક્યા છે સાથે તેઓ રસ્તા પર આવી ગયા હોવાની નોબત આવી ગઈ છે તેથી આવનારા સમયમાં કોઈ કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની કામદારોએ ચીમકી આપી હતી અને ભરૂચ એસ.પી ને આવેદન પાઠવીને રજુઆત કરી હતી છતાં કંપનીનું જાણે પેટનું પાણી નથી હલી રહ્યું તે રીતે કંપની દ્વારા કોઈ પગલું ભરવામાં આવ્યું નથી.
જેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદસિહ રણા કામદારોની વ્હારે આવીને શા કારણે કંપનીએ પગલું ભર્યું હતું તે અંગે ચોક્કસ બાબત જાણવા અને કામદારોની મદદે આવ્યા હતા. જો આગામી દિવસોમાં 400 જેટલા કામદારોને ન્યાય નહિ મળે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ કર્મચારીઓ સાથે કંપની સામે કાયદીય પગલાં મારફતે કડક પગલાં લઈને કોર્ટમાં કેસ કરવાની ચીમકી અરવિંદસિહ રણાં મારફતે ઉચ્ચારવામાં આવી હતી.