ગોધરા નગરજનોને સુરક્ષિત કરવા અને સ્વચ્છતાના ભાગરૂપે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જહુરપુરા શાકમાર્કેટમા આધુનિક સી.સી.ટીવી કેમરાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં આ સ્થળે સી.સી.ટી.વી કેમેરાનું મોનીટરીંગ નહિ કરતા સમગ્ર શાક માર્કેટ કચરાથી ઉભરાઈ ગયેલ છે અને દુકાનદારો અને આજુબાજુના એકમો ખુલ્લામાં અને શાકમાર્કેટ કચરો નાંખી જતા રહે છે અને જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને અરાજકતા રહે છે. લાખોના ખર્ચે તૈયાર કરેલ શાકમાર્કેટ હાલ કચરોનું કલેક્શન સેન્ટર બની ગયુ છે. નગરપાલિકાએ મુકેલ સી.સી.ટી.વી કેમેરા હાલ શોભના ગાંઠિયા સમાન બની ગયુ છે. આ સ્થળે સી.સી.ટી.વી મૂક્યા બાદ દિવસે સફાઈ અનિયમિત કરવામાં આવે છે. નગરપાલિકાની કચેરી શાક માર્કેટમાં આવેલ છે અને તે જગ્યાએથી સફાઈ કામદારો ગોધરા શહેરમાં સફાઈ કામે જાય છે. તે ઝોન ઓફિસ સામે પણ વિશાળ ગંદકી જોવા મળે છે.પ્રભાતસિંહ ચૌહાણ, માજી સાંસદ દ્વારા ગોધરાના નગરજનો અને ખેડૂતોને સુરક્ષિત કરવા પંડિત દયાળ ઉપાધ્યાય જહુરપુરા શાક માર્કેટને સી.સી.ટી.વી કેમેરા અને સિક્યુરિટી મુકવા રજુઆત કરેલ હતી. જેના ભાગરૂપે આ સંવેદનશીલ વિસ્તારમાં સી.સી.ટી.વી મુકવામાં આવેલા હતા. આ બાબતે જિલ્લાના ખેડૂત આગેવાનો, ચુંટાયેલા જન પ્રતિનિધિઓ અને નગરપાલિકાના સદસ્યોની પણ રજુઆત હતી.
કલેકટર પંચમહાલ દ્વારા પણ આ સ્થળે કોરાના મહામારીમાં મોટી સંખ્યામાં પ્રજાજનો આવતા હોઈ સફાઈ અને સ્વચ્છતા માટે સુચનો થયેલ. પરંતુ કલેકટરની બદલી થયાની સાથે પુન: આ વિસ્તારમાં સાફ સફાઈ પ્રત્યે ઉદાસીનતા રાખવામાં આવી રહી છે. જેથી નવનિયુક્ત કલેકટર આ સ્થળે મુલાકાત લે તેવી સ્થાનિકોની લાગણી છે.
સ્થાનિક રહીશોની રજુઆત ધ્યાને લઈ ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની દ્વારા આ સ્થળેથી તાત્કાલીક ધોરણે કચરાના કન્ટેનર કાયમી દૂર કરાવીને ગોધરા નગરજનોને સ્વચ્છતા આપી સુરક્ષિત કરવા માટે પંડીત દીનદયાળ ઉપાધ્યાય જહુરપુરા શાકમાર્કેટ, ગોધરા દિવસે સફાઇ કરવા નગર પાલિકાના સેનેટરી વિભાગના અધિકારીઓ, ઝોન ઇન્સ્પેક્ટર સૂચના આપેલ છે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોને મુશ્કેલી ન પડે તે માટે ચોકીદાર અને રાત્રી સફાઈનું પણ આયોજન કરેલ છે અને ગોધરા શહેરની વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ સંજયભાઈ સોની, નગર પ્રમુખ કરી આપતા નગરજનોમાં આનંદની લાગણી છવાઈ ગઇ છે. નગરપાલિકા દ્વારા સી.સી.ટી.વી નો ઉપયોગ કરવા જાહેરમાં કચરો નાંખનાર જવાબદાર સામે કાર્યવાહી કરવા પ્રમુખે હૈયા ધારણ આપી છે.
ગોધરા નગરપાલિકાની સ્વચ્છતા અભિયાનની કામગીરી જોવામા આવે તો નગર પાલિકાના સેનેટરી વિભાગની શંકાસ્પદ અને તપાસ માંગતી કામગીરી સામે સવાલો ઉભા થયા છે, જુહુરપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર, દિવસે સફાઇ ખર્ચ, રાત્રી સફાઇ ખર્ચ, સુપરવાઈઝર ખર્ચ પાછળ મોટો ખર્ચ થાય છે. છતા પણ સમગ્ર વિસ્તારમાં ગંદકી, અરાજકતા, દુર્ગંધ રહે છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ કામગીરી અનિયમિત થતી હોય શકે છે.
પંચમહાલ રાજુ સોલંકી