આજરોજ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાણિજ્ય પ્રવૃત્તિ ચલાવનાર વેચાણ કર્તાઓએ તા.10 જુલાઈ સુધી વેક્સીનનો પહેલો ડોઝ લેવો ફરજિયાત છે તેવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ વેપારીઓ, લારી, ગલ્લાધારક, ફેરિયા તથા પાથરણાવાળા કે જેઓ વાણિજ્ય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે તેઓ તમામ લોકોએ તા.10 જુલાઈ સુધીમાં ફરજીયાતપણે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા પ્રવૃતિઓ ચાલુ રાખી શકશે નહીં. સંસ્થાઓએ ચેકીંગ દરમિયાન સંસ્થાના માલિકો તેમજ સંસ્થાના કામ કરતા કર્મચારીઓએ લીધેલી રસીનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.
હાલ ભરૂચ જિલ્લામાં વેક્સીનનો જથ્થો અપૂરતો છે સિવિલ ખાતે રોજના માત્ર 100 જ લોકોને વેક્સીનેશનનો લાભ મળે છે ત્યારે નગરપાલિકા દ્વારા બહાર પડવામાં આવેલ જાહેરનામાને કારણે આવતીકાલથી વેક્સીનેશન સેન્ટરો પર લોકોની ભીડની પડાપડીના દશ્યો સામે આવાની તૈયારી છે. અપૂરતી વેક્સીનેશન સામે કેવી રીતે ભરૂચના હજારોની સંખ્યાના વેપારીઓને વેક્સીનેશન પૂરું કરી શકાશે તે હવે જેવું રહ્યું…!
રિધ્ધી પંચાલ,ભરૂચ.