ચોમાસાની શરૂઆત સારા વરસાદથી થઇ, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતવર્ગ ચિંતિત બન્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ હાલ વરસાદની ખેંચ અનુભવાઇ રહી છે. ઉનાળાની વિદાય બાદ ચોમાસાના આગમન ટાણે મોટાભાગે સર્વત્ર વરસાદ થયો હતો. ઝઘડીયા તાલુકામાં ચોમાસાની શરુઆત બાદ ખેતીકામને વેગ મળ્યો હતો. વરસાદની શરુઆતે તાલુકાના ત્રણ મહત્વના વેપારી મથકો રાજપારડી, ઝઘડીયા અને ઉમલ્લાના બજારોમાં ખેતી વિષયક વસ્તુઓની ખરીદીમાં તેજી જોવા મળી હતી. ચોમાસુ શરુ થતા ખેતરોમાં માણસોની ચહલપહલ જોવા મળી. પરંતુ ચોમાસાના આગમન ટાણે થયેલ વરસાદ બાદ વરસાદ ખેંચાતા તાલુકાના ખેડૂતો તેમજ જનતામાં ચિંતા ફેલાઇ છે. વરસાદની ખેંચથી વાતાવરણમાં ઉકળાટ જોવા મળે છે. મકાનોના છાપરા પર નાંખવાની તાડપત્રી અને પ્લાસ્ટિક વેચનારા વેપારીઓ પણ હાલ મંદીનો અનુભવ કરી રહ્યા છે.
ચોમાસા દરમિયાન પ્લાસ્ટિક વેચતા રાજપારડીના આરીફભાઇ ખત્રીએ જણાવ્યું કે વરસાદ ખેંચાતા હાલમાં પ્લાસ્ટિક તાડપત્રીનું વેચાણ બંધ થઇ ગયુ છે. આકાશમાં વાદળો બંધાય છે, પણ થોડીવારમાં પવનની સાથે વાદળો ખેંચાઇ જઇને તડકો નીકળતો દેખાય છે. હાલ વરસાદ ખેંચાતા બિયારણ સુકાઇ ના જાય તે માટે ટ્યુબવેલ અને અન્ય સિંચાઇ માધ્યમોથી ખેતીને જરુરી પાણી આપવામાં આવે છે. આમ ઝઘડીયા તાલુકામાં વરસાદની ખેંચના કારણે જનતા ચિંતિત જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ