બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ, માંડવી રોડ પર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરને નેત્રંગ પોલીસે મેડિકલને લગતા સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે નકલી તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી તબીબો ઝડપાઇ રહ્યા છે, ભરૂચ પોલીસે આ અગાઉ ૨૦ થી વધુ નકલી તબીબોને જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા જે સિલસિલો હજુ યથાવત હોય તેમ વધુ એક નકલી તબીબ જેલના સળિયા પાછળ ધકેલવામાં નેત્રંગ પોલીસને સફળતા મળી છે.
નેત્રંગના માંડવી રોડ પર આશીર્વાદ નામનું ક્લિનિક ચલાવતા પિયુષ વિનોદભાઈ શર્મા નામનો બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો છે, આ નકલી તબીબ પાસે ન તો ડોકટરને લગતી ડીગ્રી કે સર્ટિફિકેટ હતો તેમ છતા તે કલીનીક ચલાવતો હતો અને સામાન્ય જનતાના આરોગ્ય સાથે ખીલવાડ કરતો હતો, નેત્રંગ પોલીસે આ ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન સહિતની સામગ્રી જપ્ત કરી છે, તેમજ સમગ્ર મામલે નેત્રંગ પોલીસ મથકે ગુનો નોંધી તબીબની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.