રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયત રાજ્ય વ્યવસ્થાના મહત્વપૂર્ણ એકમ એવી જિલ્લા પંચાયતોમાં પ્રજાના પ્રશ્નોની સમસ્યાઓની રજૂઆત માટે ટેકનોલોજી યુક્ત અભિગમની આગવી પહેલ રાજકોટ જિલ્લા પંચાયતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રેરક દિશા દર્શનમાં કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જીલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇના નેતૃત્વમાં વિકસાવવામાં આવેલી ‘પ્રજાના પ્રશ્નો’ એપ નું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચિંગ કર્યું હતું.
જિલ્લાની ગ્રામીણ પ્રજાના પ્રશ્નોની કે સમસ્યાઓની રજૂઆત આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ નાગરિક પોતાના ઘરે બેઠા જ જિલ્લા પંચાયત પ્રમુખને કરી શકે તેવી ડિજિટલ ટેકનોલોજીયુક્ત પહેલ કરનારી રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની આવી એપ લોંચ કરનારી અગ્રીમ જિલ્લા પંચાયત બની છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્રામજનોને પોતાના પ્રશ્નો કે સમસ્યાઓની રજૂઆતો જિલ્લા મથકે આવ્યા વિના જ મોબાઇલ એપ મારફતે સીધી જ જિલ્લા પંચાયત પ્રમુખને કરવાની મળનારી તકના આ સેવા અભિગમ માટે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રમુખની આ પહેલ રાજ્યની અન્ય જિલ્લા પંચાયતો માટે પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે શહેરથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધીના દરેક નાગરિકને આજના ટેક્નોલોજીના યુગમાં સિટીઝન સેન્ટ્રીક સેવાઓ ઓનલાઇન મળી રહે તે સમયની માંગ છે. રાજકોટ જિલ્લા પંચાયત અને તેના પ્રમુખનું આ કદમ તે દિશામાં રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છેઆ એપ્લિકેશનના માધ્યમથી રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓના 595 ગામોના નાગરિકો માત્ર પોતાના પ્રશ્નો જ નહીં, પંચાયતની કામગીરી સંદર્ભે પોતાના સુઝાવો પણ સીધા જ જિલ્લા પંચાયત પ્રમુખને પહોંચાડી શકશે.
જિલ્લા પંચાયતની બધી જ કામગીરીની માહિતી પણ પારદર્શી રીતે આ એપ્લિકેશન મારફત ગ્રામીણ લોકો સુધી પહોંચી શકશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેના લાભ મેળવવા માટેની પ્રક્રિયા પણ આ એપ મારફત ગ્રામજનો નાગરિકો સરળતાથી જાણી શકશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રજાભિમુખ વહીવટ સાથે ત્વરિત પ્રશ્નોનો નિકાલ અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થાઓ માટેનો આ અભિગમ પ્રજાની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરશે. મુખ્યમંત્રીએ આ અવસરે ગુજરાતમાં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ગ્રામીણ નાગરિકોને જરૂરી સેવાઓ, પ્રમાણપત્રો, દાખલાઓ પોતાના ગામના પંચાયત ઘરેથી જ ઘરઆંગણે મળી જાય તેવી ટેકનોલોજી યુક્ત ડિજિટલ સેવા સેતુની બહુ આયામી સેવાઓની વિશદ ભૂમિકા આપી હતી. રાજ્યની 10 હજાર ઉપરાંત ગ્રામ પંચાયતો સુધી બ્રોડબેન્ડ કનેકટીવિટી ફાઈબર નેટવર્કથી જોડાણ દ્વારા સરકારની 55 જેટલી સેવાઓનો લાભ ડિજિટલ સેવા સેતુથી પહોંચાડવામાં આવે છે. આવનારા દિવસોમાં બધી જ 14 હજાર ગ્રામ પંચાયતો ને જોડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
મુખ્યમંત્રીએ ફાસ્ટ અને અનઇન્ટરપ્ટેડ કનેક્ટિવિટી તેમજ અત્યાધુનિક આઇ.ટી. સુવિધાઓ છેક ગ્રામીણ વિસ્તારો સુધી વિસ્તારી ગ્લોબલ વિલેજ અને પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને ગુજરાત પાર પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વ્યવસ્થામાં આવતા પ્રશ્નોનું નિયમિત મોનીટરીંગ થાય ફોલો અપ થાય તેવી તાકીદ પણ વિજય રૂપાણીએ કરી હતી.