તા 30 મી જૂનના રોજ આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રના રાજકીય પ્રવાસે ગયા હતા. જ્યાં જૂનાગઠ જિલ્લાના વિસાવદર તાલુકાની હદ વિસ્તારમાં કોઈ રાજનૈતિક પાર્ટીના અજાણ્યા અસામાજિક ગુંડાતત્વો દ્વારા આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાન મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ તેમજ સાથી કાર્યકર્તાઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. લોહી-લુહાણ કરી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરાયો હતો. અન્ય ચારથી પાંચ કાર્યકર્તાઓને શારીરિક ઈજાઓ પણ થઇ હતી. પાંચ-સાત ફોર-વ્હીલર ગાડીઓના કાચ તોડી ભારે નુકશાન પણ કરવામાં આવ્યુ હતું.વધુમાં જણાવ્યું હતું કે, દેશના બંધારણમાં દરેક નાગરિકને ઘણા બધા સ્વતંત્રતાના અધિકારો આપવામાં આવ્યા છે જેમાંનો એક રાજનૈતિક પાર્ટી પસંદગીનો અધિકાર પણ છે.
જેતે રાજનૈતિક પાર્ટીના વિચારો સાથે પોતાના વિચારો મળતા હોય એવી રાજનૈતિક પાર્ટી લોકો પસંદ કરતા હોય છે પરંતુ આ અધિકાર અમુક રાજનૈતિક પાર્ટીઓના ગુંડાઓ અસામાજિક તત્વો છીનવી લેવા માંગે છે અને હિટલર સાહી લાવવા માગે છે જે સામાન્ય નાગરિકો ક્યારેય પણ ચલાવી લેશે નહી, અમે અમારા સ્વતંત્રતાના અધિકારને ક્યારેય છોડીશું નહીં. 30 મી જૂનના રોજ જે કોઈ રાજનૈતિક પાર્ટીના અસામાજીક ગુંડા કે તત્વો દ્વારા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એની સખત નિંદા કરીએ છીએ. અને આવેદનપત્ર દ્વારા આવા અસામાજીક તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી ભવિષ્યમાં બીજીવાર આવી રીતે જીવલેણ હુમલો કરી કે સ્વતંત્રતાના અધિકારને છીનવાના પ્રયાસો ન થાય. જો આવા તત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય તો આંદોલન ઉપર ઉતરવાની ચીમકી આપી છે.