જૂનાગઢના વિસાવદરના લેરિયા ગામે ગઈકાલે ‘આપના નેતાઓ પર થયેલા હુમલાની ઘટનામાં બાર કલાક બાદ પોલીસે બન્ને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ દાખલ કરી રહી છે. આ મામલે માંગણી મુજબની ફરિયાદ નોંધાવવા આપના નેતાઓએ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેસી ગયા હતા, જેને પગલે આજે સવારે પોલીસે ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમ દરમિયાન વિસાવદરના લેરિયા ગામે થયેલી હિચકારી હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાવવા ‘આપ’ના નેતાઓ ગત રાત્રિથી જ વિસાવદર પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી જઈ રામધૂન બોલાવી હતી.
આ અંગે આપના નેતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે અમે કોઈપણ લોકો પર હુમલો કર્યો નથી. અમે ખુદ હુમલાનો ભોગ બન્યા છીએ છતાં પણ અમારી વિરુદ્ધ ફરિયાદ થશે તો અમે એનો પ્રતિકાર કરીશું. ન્યાય નહીં મળે તો દિલ્હીથી અરવિંદ કેજરીવાલ એકાદ દિવસમાં અહીં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી. ‘આપ’ના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ગુલાબસિંહ સહિતના નેતાઓએ વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર આખી રાત જમીન પર સૂઈ રાત વિતાવી હતી.
આમ આદમીના આગેવાનોની ગાડીના કાફલા પર હિચકારી હુમલા બાદ રાજ્યભરમાંથી આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકરો રાત્રિ દરમિયાન વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ઊમટી પડ્યા હતા, જેને પગલે જૂનાગઢ જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમો વિસાવદર દોડી આવી હતી. આપના નેતાઓ જિલ્લા પોલીસવડા સાથે ફરિયાદ લેવા બાબતે અનેકવાર વાટાઘાટો થઈ હતી, જેના અંતે આજે સવારે પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું છે.
આ મામલે આપના પ્રદેશ સંગઠનમંત્રી અજિત લોખીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આપની માંગણી મુજબ, હુમલાખોરો સામે 307 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યના પોલીસવડા દ્વારા આપની ગુજરાતમાં ફરનાર જન સંવેદના યાત્રાને પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવશે એની બાંયધરી આપવામાં આવી છે.વિસાવદરના લેરિયા ગામે બુધવારે વિસાવદર અને ભેંસાણ પંથકના 50 સરપંચ આમઆદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો, પરંતુ આપના નેતાઓ પરના હુમલાને કારણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.
‘આપ’ના ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ સહિતના નેતા સાંજે લેરિયા પહોંચ્યા ત્યારે તેમની પર હુમલો થયો હતો, જેમાં હરેશ સાવલિયા નામના એક કાર્યકર્તાને ઇજા થઈ હતી. ઇશુદાન, મહેશ સવાણી, પ્રવીણ રામ જે કારમાં હતા એના કાચ પણ તોડાયા હતા. આપના નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું હતું કે ઇશુદાન, મહેશ સવાણી જેવા લોકો પર ગુજરાતમાં હુમલો થતો હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી.