દેશના અનેક રાજ્યોમાં ધર્માંતરણને લઈને અનેક ઘટનાઓ સામે આવી રહી છે. દિલ્હીમાં ધર્માંતરણનું મોટુ રેકેટ પકડાયુ છે, જે ત્રણ રાજ્યોમાં ફેલાયેલુ છે. ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા સલાઉદ્દીન શેખ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જે ઉપર ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ધર્માંતરણ મામલે ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ધર્માંતરણના અજીબ કિસ્સો સામે આવ્યો છે જે સુરતનો છે.
જેમાં સંતોષ નામનો યુવક હવે બની ગયો છે અબ્દુલ્લાહ. સુરત શહેરમાં રહેતો સંતોષ પાંઢરે ધર્માંતરણનો શિકાર થયો છે. સંતોષ હવે અબ્દુલ્લાહ બની ગયો છે. માહિતી મળી કે, સંતોષ પોતાના બે ભાઈ સાથે સુરતના આઝાદ નગર વિસ્તારમાં રહે છે. તેમનો પરિવાર ગરીબ છે. તેના ભાઈનું નામ રાજેશ પાંઢરે છે. તેમના માતાપિતા બાળપણમા જ ગુજરી ગયા હતા. માતાપિતાના ત્રણેય ભાઈઓ મજૂરી કરીને પોતાનું પેટિયુ રળતા હતા. પરંતુ નાનો ભાઈ સંતોષ 2013 ના વર્ષમાં અચાનક ઘરમાંથી નીકળી પડ્યો હતો. તે પરત ફર્યો ન હતો. બંને ભાઈઓએ પોતાના ભાઈને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તેની કોઈ માહિતી ન મળી.
તેથી બંનેએ તેના પરત આવવાની આશા છોડી દીધી હતી. સાત આઠ વર્ષ બાદ રાજેશના મોબાઈલ પર ફોન આવ્યો કે, સંતોષ બોલે છે. સંતોષે ભાઈને જણાવ્યું કે તે હવે અબ્દુલ્લાહ બની ગયો છે. તેણે ભાઈને એમ પણ કહ્યું કે, તે જ્યાં રહે છે ત્યાં બહુ જ ખુશ છે. આ માહિતી મળતા જ બંને ભાઈઓએ સંતોષને પરત લાવવા અનેક પ્રયાસો કર્યા હતા. આ માટે તેણએ કેટલાક હિન્દુ સંગઠન અને સુરત પોલીસ પાસેથી પણ સહયોગ માંગ્યો હતો,જેથી તેને પરત લાવવામાં આવ્યો હતો.
પરંતુ બાદમાં તે પાછો જતો રહ્યો હતો. હવે સંતોષ અબ્દુલ્લાહ બનીને દિલ્હી અને યુપીના સરહાનપુરમાં રહે છે. સંતોષે પોતાના ભાઈઓને ત્યાંના વીડિયો પણ મોકલ્યા હતા. ત્યારે સંતોષના ભાઈ આરોપ મૂકે છે કે, તેનો ભાઈ સગીર હતો ત્યારે તેનુ ધર્માંતરણ કરાયુ હતું. હવે તે અમારી દુનિયામાં પરત ફરવા માંગતો નથી. તેના ભાઈઓએ કહ્યુ કે, સંતોષ કાશ્મીર જવાની વાત પણ કરતો હતો.