સુરત શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારના કુખ્યાત ગણાતા બૂટલેગર વલ્લીઉલ્લના જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો 28 જૂનની રાત્રીનો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ બૂટલેગરના સમર્થકોએ રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસે ફટાકડા ફોડી જન્મ દિવસની ઉજવણી કરી હતી. જોકે રેલવે પોલીસની હદમાં કરાયેલી ઉજવણી બાદ પણ કોઈ પગલાં ન ભરાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સુરત ના રેલવે સ્ટેશન વિસ્તારમાં નજરે જોનારાઓ એ જણાવ્યું હતું કે, ફટકાકડા ફોડવાના સમયે ટ્રેન પણ નજીકથી પસાર થઇ રહી હતી. છતાં કોઈએ દરકાર શુદ્ધા ન લીધી એ પણ નવાઇની વાત છે. તો બીજી બાજુ એ જ રાત્રે બૂટલેગરના ઘર નજીક પણ જન્મદિવસની ધામધૂમથી ઉજવણી પણ કરાઈ હોવાનું કહેવાય રહ્યું છે. તેમ છતાં લાલગેટ પોલીસ ઉંઘતી સાબિત થઈ હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે. એક નહીં બે-બે પોલીસ સ્ટેશનની હદમાં કોવિડ ગાઈડલાઇન અને કાયદાના ધજાગરા ઉડાવનાર વલીઉલ્લા સામે કોઈ પગલાં ભરાશે કે કેમ એ એક તપાસનો વિષય છે. કુખ્યાત ગણાતા બૂટલેગર વલ્લીઉલ્લના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ સાથે ઉજવણીમાં હાજર તમામ લોકોએ માસ્ક પણ પહેર્યા ન હોવાનું વીડિયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે. કર્ફ્યૂ સમયે પણ ઉજવણી ચાલુ ન રહે એની ખાસ કાળજી પોલીસે લેવી જોઈએ. જ્યારે લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવાં દૃશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.
સુરતમાં જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફ્યૂ છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં, છતાં પણ આ લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે.જેની સામે પોલીસ છાસવારે પગલાં પણ લેતી હોય છે.
જયદીપ રાઠોડ : સુરત