સુરત પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આપ ના બે કોર્પોરેટરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે. સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. યોગેશ જોધવાણી (આપના પ્રવક્તા) એ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં થયેલા ગોટાળા મુદ્દે જવાબ આપવો પડે એ માટે ભાજપના ટોચના નેતાઓએ પોલીસ પર દબાણ લાવી આપના કોર્પોરેટરોની ધરપકડનું આયોજન કર્યું છે. કોર્પોરેશન બહાર હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે એની પાછળનું એક જ કારણ હોય શકે કે આજે મળનારી સામાન્ય સભામાં આપના કોર્પોરેટર હાજરી આપવા આવે તે પહેલાં જ એમની અટકાયત કરી દેવાય.
પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું. ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું. કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં આપના ઉમેદવારની હારની ખબર પડતાં આપના કોર્પોરેટરોએ ભેગા મળી મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું.
સિક્યુરિટી સ્ટાફ સામે અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરી કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, આ લોકોની ગુલામીથી કંઇ મળશે નહીં. તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશું.’ ચૂંટણીની કામગીરીને પણ અવરોધવા માટે દસ્તાવેજો ફાડી નાખ્યા હતા અને બેલેટ પેપર ઝૂંટવી ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કર્યો હતો. ત્યારે આપ દ્વારા બે બેલેટ પેપરમાં ભુલનો આક્ષેપ અને ફેર ચૂંટણીની માંગને વળગી રહી આ ગરમાયેલા મામલે ફરી સામાન્ય સભામાં હોબાળો મચાવી શકે તેમ છે.
સામાન્ય સભામાં ઉપરાંત આપના કોર્પોરેટરો નવા વિસ્તારોના સમાવેશ છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ખાડી સફાઈ, સોસાયટીઓમાં સાફસફાઈ સહિત ના મુદ્દા ઉઠાવે તેમ છે. શહેરની ખાનગી સોસાયટીઓમાં પ્રત્યેક સુવિધાથી પરિપૂર્ણ કરી શહેરને પર્યાવરણલક્ષી બનાવવી સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવાના અને સીસી રોડના ઠરાવ અંગે પણ આપ કોર્પોરેટરો રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં છીંડા હોય તેથી ભારે વિરોધ કરે તેમ છે.
જયદીપ રાઠોડ : સુરત