અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રમજીવી પરિવારના લોઢણ ફળિયા વિસ્તારમાં 10 થી વધુ મકાનોમાં વરસાદને લઇને વિચિત્ર સમસ્યા સામનો ચોમાસા દરમિયાન છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છે.
લોઢણ ફળીયાને અડીને સરકારી અનાજના ગોડાઉન તેમજ જિલ્લા પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગની કચેરી તેમજ બી.આર.સી ભવન આવેલ છે. જ્યાં વરસાદની સીઝન દરમિયાન સંરક્ષણ દીવાલને લઇ પાણી ભરાવો થઈ જાય છે. જેમાં આજુબાજુના વિસ્તારમાં પાણી પ્રવેશતા પાણીનો ભરાવો થઈ જાય છે.
પાણી જમીનમાંથી સંરક્ષણ દિવાલ બાજુમાં બીજી તરફ આવેલ લોઢણ ફળીયાના રહીશોનાં ધરોમાંથી બહાર નીકળી રહ્યા છે. જે પાણી ક્યારેક ઢીચણ સુધી તો ક્યારેક 1 ફૂટ પાણી ઘરમાંથી નીકળી ભરાવો થઇ રહ્યો છે. છૂટક મજૂરી કરી આવતા શ્રમજીવી પરિવાર ચોમાસા દરમિયાન ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
ઘરનો સમાન રોજે રોજ ઉપર ચઢાવવો તેમજ રહેવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે. અગાવ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ થાય તેવી કાંસ હતી જેના પર પુરાણ થવાની સાથે સાથે કેટલાક સ્થળે તેના પર બાંધકામ થઇ જતા પાણી નિકાલનો માર્ગ અવરોધાયો છે. જેને લઇ પાણી નિકાલ અટકતા હવે પાણી પોતાનો રસ્તો ભૂગર્ભમાંથી કરી લોકોના ઘરોમાં ઝરણરૂપે ફૂટી નીકળી રહ્યા છે. જેનો ભોગ હવે સ્થાનિક શ્રમજીવી પરિવારો બની રહ્યા છે.