દહેજ પંથકમાં આવેલા વેલ્સપન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે. દહેજના જોલવા સ્થિત વેલ્સપન કંપનીના મોટા ભાગના કામદારોને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેતા કામદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
તેઓની રોજીરોટીનો પ્રશ્ન સર્જાતા ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔધોગિક કામદાર સંઘ બંનેએ ભેગા મળી જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. આગામી 23 મી જુનના રોજ ભારે ચિમકી સાથે ભરૂચ કલેકટર સમક્ષ રજુઆત કરવામા આવી હતી અને નિરકરણ નહી આવ્યું તો કંપનીના ગેટ પર બેસીની ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામા આવી હતી. જેથી આજરોજ ત્રણ દિવસ થવા છતાં પ્રશ્નોનુ નિરકરણ ન આવ્યુ હોવાને કારણે 400 કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે.
કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવતા કર્મચારીઓ ગિન્નાયા હતા અને કંપનીના કાયમી કામદારોને છુટા કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનો યુનિયનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આજરોજ ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔધોગિક કામદાર સંઘ દ્વારા ભરૂચ ખાતે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી તેઓના હકની માંગ કરવામાં આવી છે.
દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા કામદારોની અચાનક બદલી કરી દેવામાં આવતા કર્મચારીઓમા હડકંપ મચી જવા પામ્યો હતો. અગાઉ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ક મેન કક્ષાના 400 જેટલા કામદારોને તા. 18 જૂનના રોજ વર્ક ટુ હોમના આદેશ કરવામાં આવ્યા હતા અને બે જ દિવસમાં તેઓને ઘરે ટપાલ મારફતે કચ્છના અંજાર સ્થિત પ્લાન્ટમાં બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. કંપની દ્વારા અંજાર મુકામે તેમની બદલી કરવામાં આવી હતી.
જેઓ કંપનીના આધારે જીવી રહ્યા છે તે કંપની દ્વારા બદલી કરતાં ભીખ માંગવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વર્ષોથી અહી ફરજ બજાવતા અનેક કર્મચારીઓના ટ્રાન્સફર ઓર્ડર આવતા કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે અને આગામી દિવસમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સમક્ષ રજૂઆત કરશે અને જો તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવે તો પોતાના પરિવારજનો સાથે દહેજની વેલસ્પન કંપનીની ગેટની બહાર ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ.