સુરત જિલ્લામાં ૧૮ વર્ષની ઉપર વય જૂથની વ્યક્તિઓને પણ હવેથી વૉક-ઈન વૅક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. યુવાનોમાં રસીકરણ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા માટે રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત વન, આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને નાંદોલા પ્રાથમિક શાળા ખાતેથી વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ કે કોરોના સામે વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતોએ કોરોનાના ત્રીજા વેવની સંભાવના વ્યકત કરી રહ્યા છે ત્યારે તેના પ્રતિકારરૂપે વધુમાં વધુ લોકો વેકસીન લે તે જરૂરી છે. પ્રથમ અને બીજી લહેરમાં રાજય સરકારે ઓકિસજન, બેડ, દવાઓ જેવા અનેક મોરચે મક્કમતાપૂર્વક કોરોનાનો સામનો કર્યો છે. આજથી રાજય સરકારે ૧૮ થી ઉપર વર્ષની વય જૂથના વેરાકુઈ ખાતે 127 લોકો અને નાંદોલા ખાતે 100 લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે જિલ્લામાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેથી સૌ કોઈ યુવાનો, વડીલો કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના ગુજરાતને કોરોના મુકત બનાવવા સહભાગી બને તેવો અનુરોધ મંત્રીએ કર્યો હતો.
વેરાકુઈ અને નાંદોલા ખાતે આયોજીત રસીકરણ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો રસી લેવા આવી પહોચ્યા હતા. વેરાકુઈ અને નાંદોલા ખાતે આયોજીત વેકિસનેશન કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, જિલ્લા પંચાયતના સભ્ય અફઝલભાઈ, દિપક વસાવા, આંબાવાડી તાલુકા પંચાયતના કારોબારી સભ્ય તૃપ્તિબેન મૈસુરીયા, સદસ્ય ડૉ.યુવરાજ સોનારીયા, માંડવી પ્રાંત જનમ ઠાકોર, ટીડીઓ શિવાંગી શાહ, તાલુકા આરોગ્ય અધિકારી સમીરભાઈ ચૌધરી, ઈદ્રીશ મલિક, આરોગ્ય કર્મી, માંગરોળના મામલતદાર વસાવા, ચુનીલાલ ચૌધરી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.