કોરોનાની મહામારી વચ્ચે મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાંથી બેદરકારીનું શરમજનક ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. અહીં ICU માં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા એક દર્દીની આંખ ઉંદરે કાતરી નાંખી હતી.
બુધવારે આ શખસનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું છે. આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે સમગ્ર મામલાની તપાસના આદેશ આપી કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે વરસાદને કારણે ઉંદર દરવાજાના ગેપમાંથી અંદર આવી જાય છે. મળતી માહિતી મુજબ, કુર્લાના કમાની વિસ્તારમાં રહેતા 24 વર્ષના શ્રીનિવાસ યલ્લપાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એ બાદ રવિવારે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડોકટર્સના જણાવ્યા મુજબ તેના મગજમાં પણ તાવ ચઢી ગયો હતો અને કિડનીમાં પણ દુખાવો હતો એને કારણે શ્રીનિવાસને ICU માં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના મંગળવારે ત્રણ વાગ્યે ઘટી હતી. સવારે જ્યારે શ્રીનિવાસના સંબંધીઓએ તેની એક આંખમાંથી લોહી નીકળતું જોયું તો તાત્કાલિક તેને આ અંગે હોસ્પિટલ પ્રશાસનને જાણ કરી.
જ્યારે આંખની તપાસ કરવામાં આવી તો ઉંદરે આંખ કાતરી નાંખી હોય તેવી જાણકારી સામે આવી. એ બાદ દર્દીના પરિવારે હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો. જ્યારે આંખ કાતરી નાંખવામાં આવ્યા બાદ ડોકટર્સે આંખની તપાસ કરી તો તે બચી ગઈ હોવાનું જાણમાં આવ્યું. ઉંદરે આંખની પાપણને કોતરી નાંખી હતી. આંખની અંદર કોઈ જ ઈજા થઈ ન હતી.આ ઘટનાને લઈને BMC ના મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે હોસ્પિટલના ICU વિભાગ નીચલા માળે હોવા છતાં હોસ્પિટલ ચારે બાજુથી બંધ છે. વરસાદને કારણે લગભગ દરવાજાના વચ્ચેના ગેપથી ઉંદર આવી ગયો હશે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર ન થાય એનો ઉપાય જરૂરથી કરીશું.
BMC ના અધિકારી સુરેશ કાકાણીએ પણ તપાસના આદેશ આપી દીધા છે. ચાર વર્ષ પહેલાં કાંદિવલી વિસ્તારની શતાબ્દી હોસ્પિટલમાં આ પ્રકારની જ ઘટના સામે આવી હતી. અહીં પણ કોમામાં જતા રહેલા એક દર્દીની આંખ ઉંદર કોતરી ગયા હતા.