ભરૂચ શહેર અને જિલ્લામાં બુટલેગરો જાણે કે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક બુટલેગરોને ત્યાં ક્રાઈમ બ્રાંચ અને તેથી વધુ સ્ટેટ વિજિલન્સને દરોડા પાડવા પડે તેવી નોબત આવી છે, રાજ્યના ગૃહ પ્રધાન અને ભરૂચ ભાજપના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના જિલ્લામાં જાણે કે દારૂ બંધી લૂંગીની જેમ બની છે, જે બાહરથી બંધ છે અને અંદરથી ખુલ્લું હોય તેમ જ કંઇક ભરૂચમાં ચાલી રહ્યું છે.
ભરૂચ શહેરમાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં દેશી વિદેશી દારૂ જાણે કે બિંદાસ અંદાજમાં વેચાઇ રહ્યું છે, સવાર પડેને રોજ નવો બુટલેગર માથું ઉચકતો હોય અને ઝડપાઇ ગયો હોય તે પ્રકારની પ્રેસનોટ ખુદ પોલીસ વિભાગ જ પત્રકારો સુધી પહોચાડી રહી છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આખરે ગાંધીના ગુજરાતમાં અને ખાસ કરી ભરૂચના પ્રભારી પ્રદીપસિંહના જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ એ સમાજને ચિંતામાં મૂકે તેમ છે.
ભરૂચ શહેરના અયોધ્યા નગર વિસ્તારના સંતોષી માતાના મંદિર નજીક રહેણાંક મકાનમાં ગતરોજ ક્રાઈમ બ્રાંચની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પો.સ.ઇ. એ.એસ.ચૌહાણને મળેલ બાતમીના આધારે દરોડા પાડી બુટલેગર મુકેશ બચુભાઈ સોલંકીને ભારતીય બનાવટની ૧૦૪ નંગ બોટલ જેની કિંમત રૂ.૫૨ હજાર અને એક મોબાઈલ મળી કુલ ૫૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વની બાબત છે કે છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં એ ડિવિઝન પોલીસના કર્મીઓ નિષ્ક્રિય થયા હોય તેમ ચર્ચાઇ રહ્યું છે, કારણ કે ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં રોટરી કલબ પાછળ બુટલેગરનું કે જે બિંદાસ ખુલ્લેઆમ દારૂ નો ધંધો કરતો હતો ત્યાં આખરે સ્ટેટ વિજિલન્સની ટિમે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ ઝડપ્યો હતો, તેથી વધુ ભરૂચના ધોળીકુઈમાં ટ્રેન મારફતે વિદેશી દારૂ લાવતો બુટલેગર જીતુ ખત્રી સ્થાનિક પોલીસના હાથે નહિ પરંતુ રેલવે પોલીસના હાથે ઝડપાયો હતો.
સ્થાનિક ભરૂચ ક્રાઈમ બ્રાંચે પણ અનેક એવી સફળ રેડ ભુતકાળના દીવસોમાં આ જ પોલીસ મથકની હદમાં કરી છે અને વધુ એક રેડ ગતરોજ કરવામાં આવી જે બાબતો હવે જાગૃત નાગરિકોમાં ચર્ચા નું કેન્દ્ર બની છે કે આખરે એ ડિવિઝન પોલીસ મથકની આ પ્રકારના ગુનેગારો પ્રત્યેની ઢીલી નીતિ પાછળ આખરે શુ કારણો હોઈ શકે..? કે પછી પોલીસ વિભાગ પાસે એવા કોઈક પોલીસ મિત્રો જ નથી કે જે આ પ્રકારના બિંદાસ બુટલેગરો અને ગુનેગારી તત્વોની માહિતી આપી શકે.? હાલ આ તમામ બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે..!
હારૂન પટેલ : ભરૂચ