હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ જતા હવે દૈનિક માત્ર 150 જેટલા જ કેસો આવી રહ્યા છે. ધંધા-રોજગાર પણ શરૂ થઈ ગયા છે. આમ રાજ્ય હવે સંપૂર્ણ અનલોક થવા તરફ જઈ રહ્યું છે. હવે રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે. સરકારે 15 ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની કવાયત શરૂ કરી છે.આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક ચર્ચા શરૂ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યો પાસે ઓફ લાઈન સ્કૂલો શરૂ કરવા અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે.પ્રથમ તબક્કામાં ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ કરવામાં આવશે. આ અંગે નવી SOP પણ તૈયાર કરી રહી છે અને એના માટે સ્કૂલ સંચાલકો પાસે સૂચનો અને માર્ગદર્શન માગવામાં આવ્યું છે. સ્કૂલ સંચાલકો ટૂંક સમયમાં જ આ અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી શકે છે.
ગુજરાત સરકારને આશા છે કે જુલાઈ સુધીમાં 12 થી 18 વર્ષ સુધીના બાળકોની વેક્સિન બજારમાં આવી જશે. જો જુલાઈમાં આ વેક્સિન આવી જાય તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરવામાં આવશે અને ત્યાર પછી સ્કૂલો પણ શરૂ કરી દેશે. ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021 થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6 થી 12 ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં ધો. 9 અને 11 ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9 થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9 થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. ત્યાર બાદ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.