ભરૂચ જિલ્લાના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં પર્યાવરણના દુશ્મનો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો કેટલાક જાગૃત નાગરિકોએ સોશિયલ મિડિયામાં વાયરલ કરી આવા તત્વો સામે કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે, ઔધોગિક વિસ્તાર દહેજ GIDC માંથી કેટલીક બેજવાબદાર ઇન્ડસ્ટ્રીઝનું પ્રદુષિત પાણી સીધું દરિયામાં ઠાલવવામાં આવી રહ્યું છે.
ઉધોગોનું પ્રદુષણ ફેલાવતું પાણી સીધું નજીકમાં આવેલ દરિયામાં જઈ રહ્યું છે જેના કારણે આસપાસના લોકો સાથે જ માછી સમાજમાં પણ સમગ્ર મામલે ભારે રોષ ફેલાયો છે, સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે સમગ્ર મામલે સ્થાનિક GIDC તેમજ GPCB માં અનેક વાર રજુઆત કરી છે છતાં મામલે પરીણામ શૂન્ય જ જોવા મળ્યું છે.
કંપનીઓ દ્વારા ઉત્પન્ન થતાં પ્રદુષણ સામે કોઈ નિયંત્રણ નથી જેનું નુકશાન માત્રને માત્ર સ્થાનિક લોકોને જ થાય છે. બેરોજગારી, પ્રદુષિત વાતાવરણ જેવી કેટલીય સમસ્યાઓનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે તેમ જાગૃત નાગરિકોએ વીડિયો વાયરલ કરી સોશિયલ મિડિયા મારફતે લોકો સમક્ષ પોતાની વેદના વ્યકત કરી હતી.
હાલ સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ દહેજના દરીયાઇ વિસ્તારમાં જ્યાં પ્રદુષિત પાણી જોવા મળ્યું છે તે સ્થાનેથી GPCB એ જળના સેમ્પલ લઇ જવાબદાર ઉધોગો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે, પંરતુ અહીંયા સવાલ એ થાય છે કે આખરે અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ પ્રકારના પર્યાવરણ માટે જોખમી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.
હારૂન પટેલ