ઝઘડીયા તાલુકાના સારસા ગામે માધુમતિ ખાડીમાં આવેલ રેતીની લીઝનો વિવાદ દિવસે દિવસે વિસ્તૃત બનતો જાય છે. થોડા દિવસ પહેલા ગ્રામ પંચાયત સભ્યોએ લીઝ ધારક પાસેથી પૈસા લીધા હોવાના આક્ષેપ સાથે કેટલાક ગ્રામજનોએ પંચાયત કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. પંચાયત સભ્યોને પચાસ હજાર રુપિયા આપ્યા હોવા બાબતે લીઝ ધારકે નિવેદન આપ્યુ હતુ. ત્યારબાદ ખાડીમાં લીઝ વિનાની જગ્યાએ રેતી ખોદાતી હોવા બાબતે વિવાદ થતાં ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગતરોજ ગ્રામ પંચાયતના સભ્ય બચુભાઈ હિંમતભાઇ વસાવાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યુ હતુ કે સતિષ હસમુખભાઇ પટેલ, હિરલ જયવદન પટેલ, આરતીબેન હિરલભાઇ પટેલ, નિકુલભાઇ દિલિપભાઇ પટેલ અને કમલેશભાઇ શંકરભાઈ પટેલ સર્વે રહે.ગામ સારસા તેમજ લીઝ ધારક શંકરભાઈ ધનજીભાઇ ભોઇ રહે.અંકલેશ્વરના તેમજ અન્ય ૧૦ થી ૧૨ જણનું ટોળુ ગત તા.૯ મીના રોજ પંચાયત ઓફિસમાં આવ્યા હતા અને ગ્રામ પંચાયતમાંથી ચુંટાયેલા અન્ય આદિવાસી સભ્યોને મા બેન સમાણી ગાળો દઇને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલીને તમે લીઝધારક પાસેથી કેમ પચાસ હજાર રુપિયા લીધા છે, તેમ જણાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પંચાયત સભ્યોએ લીઝધારક પાસેથી પચાસ હજાર રુપિયા લીધા હોવાની વાતનો આ અરજીમાં ઇન્કાર કર્યો હતો. ઉપરાંત સારસા ગ્રામ પંચાયતના અન્ય સભ્ય ભાયલાલભાઇ બાલુભાઈ રોહિતે રાજપારડી પોલીસ સ્ટેશનમાં આપેલ અરજી દ્વારા જણાવ્યુ હતુ કે સારસા ગામે ૫૫ વર્ષ પુર્વે સરકાર તરફથી પાણીનો કુવો તથા બાજુમાં મશીનઘર બનાવેલ હતુ.
પોલીસ સ્ટેશનમાં અપાયેલ અરજીમાં જણાવાયા મુજબ હિરલભાઇ પટેલે જેસીબી મશીન લાવીને સદરહુ સરકારી મિલકત તોડી નાંખીને પોતાના ખેતરમાં જવાનો રસ્તો બનાવી દીધો હોવા બાબતે આક્ષેપ કરાયો છે. જ્યારે સામા પક્ષે હિરલ જયવદન પટેલનો આ બાબતે ટેલિફોનીક સંપર્ક કરાતા તેમણે આ બાબતોનો ઇન્કાર કર્યો હતો અને લીઝ ધારક શંકરભાઈએ પંચાયત સભ્યોને પચાસ હજાર રુપિયા આપ્યા હોવાનું લીઝ ધારકે કબુલ્યુ હોવાની વાત કરી હતી.સારસા ગામ નજીક વહેતી માધુમતિ નદી એક નાની ખાડી છે. ખાડીમાંથી ટ્રકો ભરીને રેતી ઉલેચાતા ખાડીમાં પડતા ખાડાઓના કારણે કોઇવાર જીવલેણ દુર્ઘટના સર્જાવાની દહેશત હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. ઝઘડીયા તાલુકાના સારસા ગામે રેતીની લીઝના મુદ્દે ઉભા થયેલા વિવાદમાં પંચાયત સભ્યો અને સામાજિક કાર્યકર હિરલ પટેલના ગ્રુપ વચ્ચે સામસામે રીતસર મોરચો મંડાતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ